India-Pakistan: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. હવે ભારતે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબાર સામે વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 મહત્ત્વપૂર્ણ બાબતો
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે પાકિસ્તાનને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામ ભંગ સામે ચેતવણી આપી છે.
પહલગામ હુમલા બાદ સતત ગોળીબાર કરી રહ્યું છે પાકિસ્તાન
ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે 29-30 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કોઈ ઉશ્કેરણી વગર નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. જોકે, ભારતીય સેનાના સૈનિકોએ ઝડપથી અને યોગ્ય રીતે જવાબ આપ્યો. સેનાએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન હવે માત્ર નિયંત્રણ રેખા (LoC) સુધી મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે.
તેમજ આ પહેલા પાકિસ્તાની સેનાએ 28-29 એપ્રિલની રાત્રે કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. 27-28 એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લામાં વિરુદ્ધ વિસ્તારોમાંથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર થયો.
આ પણ વાંચો: પહેલી મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર
આ પહેલા 26-27 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ તુટમારી ગલી અને રામપુર સેક્ટર નજીક સરહદ પારથી ગોળીબાર કર્યો. એજ પ્રમાણે 25-26 એપ્રિલની રાત્રે અને 24 એપ્રિલની રાત્રે, નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કેટલીક જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
નિયંત્રણ રેખાની પાર આવા ઉલ્લંઘનો સતત છેલ્લા છ દિવસથી થઈ રહ્યા છે. જોકે, ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાયરતાપૂર્ણ કાર્યવાહી ભારતની આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈથી ડરનું પરિણામ છે.