જામનગરના હાપા વિસ્તારમાં ગઈકાલે એક કરુણા જનક કિસ્સો બન્યો છે. નવમા ધોરણની વિદ્યાર્થીનીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
સ્કૂલમાં વિદ્યાર્થીનીના સ્કુલ બેગમાંથી બે નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. શિક્ષકને આ વાતની ખબર પડતાં તેઓ વિદ્યાર્થીની ના પિતાને જાણ કરી દેશે, તેવા ડરના કારણે વિદ્યાર્થીને પોતાના ઘેર જઈ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જયારે પોલીસે બે મોબાઈલ ફોન કબજે કરીને તેની કોલ ડીટેઇલ કઢાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા જવાહર નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ વાલજીભાઈ સોયગામા (ઉંમર વર્ષ 40)ની 15 વર્ષની વયની પુત્રી દિક્ષિતા રમેશભાઈ સોઈગામા, કે જે ધુવાવ ગામમાં આવેલી કન્યા શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે.
જે શુક્રવારે શાળાએથી અભ્યાસ કરીને ઘેર આવ્યા બાદ ગુમ સુમ રહેતી હતી, અને ગઈકાલે શનિવારે સવારે તેણીને સ્કૂલે જવાનો ટાઈમ થતાં સ્કૂલે જવાના બદલે તેણીએ પોતાના ઘરમાં ઓશરીમાં લોખંડના એંગલમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે દિક્ષિતા ના પિતા રમેશભાઈ વાલજીભાઈ સોયગામા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડિવિઝનના પ્રોબેશનલ પીએસઆઇ એ આર પરમાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને વિદ્યાર્થીનીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી, જે દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું, કે વિદ્યાર્થીની પોતાના સ્કૂલમાં બેગ લઈને પહોંચી હતી ત્યારે તેના બેગમાંથી બે નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સ્કૂલમાં મોબાઈલ ફોન લઈ આવવાની મનાઈ છે, તેમ છતાં એકી સાથે બે મોબાઈલ ફોન જોતા શિક્ષક ચોંકી ગયા હતા. જેણે વિદ્યાર્થીનેના પિતાને આ બાબતે જણાવશે તેમ કહ્યું હતું. પરંતુ હજુ સુધી પિતા સાથે વાત કરી ન હતી.પરંતુ વિદ્યાર્થીની ડરી ગઈ હતી, અને પોતાના ઘેર ગુમ સુમ રહ્યા બાદ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. શિક્ષક તેણીના પિતાને કોઈપણ પ્રકારની મોબાઇલ ફોન સંદર્ભેની વાત કરશે તે ડરના કારણે તેણીએ આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવાયું છે.
પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના થેલામાંથી મળી આવેલા બે મોબાઈલ ફોન કબજે કરી લીધા છે, અને તેની કોલ ડીટેઇલ ના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીના પિતાએ તે મોબાઈલ ફોન પોતાના નહીં હોવાનું પણ જણાવ્યું છે. જે મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.