અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના આંકડા અનુસાર, એક વર્ષમાં દેશમાં લગભગ ૨૦૦૦ એટીએમ ઓછા થઈ ગયા છે. વર્ષ ૨૦૨૩માં દેશભરમાં ૨,૫૫,૦૦૦ એટીએમ હતા, પરંતુ માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને ૨,૫૩,૦૦૦ થઈ ગઈ છે. જાહેર ક્ષેત્રની બેંકોના ઓનસાઇટ અને ઓફસાઇટ બંને એટીએમનો વ્યાપ ઓછો થઈ ગયો છે. ઓનસાઇટ એટીએમ ૨૦૨૩માં ૭૮,૭૭૭ થી ઘટીને ૨૦૨૪માં ૭૭,૦૩૩ થવાની ધારણા છે, જ્યારે ઓફસાઇટ એટીએમ ૫૯,૬૪૬ થી ઘટીને ૫૭,૬૬૧ થવાની ધારણા છે.
ખાનગી બેંકોએ તેમના ઓનસાઇટ એટીએમની સંખ્યા ૪૧,૪૨૬ થી વધારીને ૪૫,૪૩૮ કરી છે, પરંતુ તેમના ઓફસાઇટ એટીએમ ૩૫,૫૪૯ થી ઘટીને ૩૪,૪૪૬ થયા છે. વિદેશી બેંકોમાં આ સંદર્ભમાં નજીવો ફેરફાર જોવા મળ્યો, જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકોએ તેમના કુલ એટીએમની સંખ્યા ૨,૮૨૧ થી વધારીને ૩,૦૬૮ કરી છે.
જ્યાં સુધી પેમેન્ટ બેંકોનો સવાલ છે, તેમણે તેમના બધા એટીએમ બંધ કરી દીધા છે. વ્હાઇટ લેબલ એટીએમની સંખ્યા પણ ૨૦૨૩ માં ૩૫,૭૯૧ થી ઘટીને ૨૦૨૪ માં ૩૪,૬૦૨ થઈ ગઈ છે. આ પ્રકારના એટીએમ મોટાભાગે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જોવા મળે છે.
રિયલ એસ્ટેટ ખર્ચ, રોકડ વ્યવસ્થાપન, નિયમિત જાળવણી અને સોફ્ટવેર અપગ્રેડ વગેરે સહિત કુલ સંચાલન ખર્ચમાં વધારો થવાને કારણે એટીએમનું વિસ્તરણ ધીમું પડયું છે. એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત એટીએમનો સંચાલન ખર્ચ ઓછામાં ઓછો રૂ. ૪૦,૦૦૦ અને શહેરોમાં રૂ. ૬૦,૦૦૦ સુધીનો છે. જો દૈનિક વ્યવહારનો આંકડો ૧૦૦ સુધી પણ ન પહોંચે, તો તેને ચલાવવા માટે આર્થિક રીતે યોગ્ય નથી.
ડિજિટલ વ્યવહારોના વધતા અવકાશ અને વધતા જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને, મોટાભાગની બેંકો હવે તેમના એટીએમ નેટવર્કને વિસ્તૃત કરવા માટે ઉત્સુક નથી. ગામડાઓમાં પણ, જ્યાં ડિજિટલ સાક્ષરતા એક સમયે મુખ્ય અવરોધ હતી, હવે સ્માર્ટફોન અને કયુઆર કોડનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. યુપીઆઈને કારણે એટીએમનું મહત્વ ચોક્કસપણે ઘટયું છે.