મુંબઈ : લિસ્ટેડ બેંકોએ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ૪.૪ ટકા વૃદ્વિ નોંધાવી એક્ત્રિત રૂ.૯૪,૨૨૮ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૩.૭ ટકા વધ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોના નફામાં આ સમયગાળામાં વૃદ્વિ ૧૨.૯ ટકા રહી ૧૨ પીએસયુ બેંકોનો મળીને ચોખ્ખો નફો રૂ.૪૮,૩૭૦ કરોડ થયો છે. જ્યારે ખાનગી ક્ષેત્રની ૨૦ બેંકોએ કુલ રૂ.૪૫,૮૫૮ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૩ ટકા ઘટયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની પાંચમી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ઈન્ડસઈન્ડ બેંકે ચોથા ત્રિમાસિકમાં રૂ.૨૩૨૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ડેરિવેટીવ્ઝમાં નુકશાની અને માઈક્રો ફાઈનાન્સ એકાઉન્ટિંગને કારણે રહી છે.
બેંકોની ચોખ્ખી વ્યાજ આવકમાં વૃદ્વિ આ ત્રિમાસિકમાં એક આંકમાં રહી છે, ખાનગી ક્ષેત્રે ૪.૫ ટકા અને પીએસયુ બેંકોમાં ૨.૭ ટકા વૃદ્વિ રહી છે. જે વિવિધ કારણોસર જેમ કે રેપો રેટ ફેબુ્રઆરીમાં ૨૫ બેઝિઝ પોઈન્ટ ઘટાડવાના કારણે પાયાની આવક વૃદ્વિને અસર થઈ છે. ચોખ્ખી વ્યાજ આવકમાં ધીમી ૭ ટકાની વૃદ્વિ થઈ છે.
જે નાણા વર્ષ ૨૦૨૫માં થાપણોના દરોમાં ફેરફારની સંપૂર્ણ અસરને લઈ ગત વર્ષના નેટ વ્યાજ માર્જિન ૩.૨ ટકા હતું, એ ઘટીને ૩ ટકા થવાના કારણે પણ જોવાયું છે. નેટ વ્યાજ માર્જિન નાણા વર્ષ ૨૦૨૫માં ઘટયું હોવા સામે ધિરાણ ખર્ચમાં ૧૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થયો છે.જેથી નફાકારકતામાં કંઈક અંશે અસર જોવાઈ છે. આ સાથે આટલા જ પ્રમાણમાં ઓપરેટીંગ ખર્ચ બચતોથી અસ્કયામતો પરનું વળતર સ્થિર જળવાયું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા દર્શાવે છે કે, બેંકોની લોન વૃદ્વિમાં નાણા વર્ષ ૨૦૨૫માં તીવ્ર ૧૧ ટકાનો ઘટાડો થયો છે, જે ગત નાણાકીય વર્ષમાં ૨૦.૨ ટકાની વૃદ્વિ જોવાઈ હતી.