Kunal Kamra Controversy: એકનાથ શિંદે પર આપત્તિજનક કટાક્ષ કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલો કુણાલ કામરા આટલેથી અટક્યો નથી. તેણે વધુ એક નવી પેરડી ગાઈને શિંદેને ઘેર્યા છે તેમજ તેણે શિવસેના તરફથી મળી રહેલી ધમકીઓ પર કટાક્ષ કર્યો છે. કુણાલ કામરાએ કહ્યું કે, જ્યારથી મારી ક્લિપ વાયરલ થઈ છે. ત્યારથી મને 500 કોલ આવી ચૂક્યા છે. આ કોલ્સમાં મર્ડર કરવા અને ટુકડા કરવાની ધમકી મળી છે. તમામ કોલ શિવસેનાના લોકોના હતા. પરંતુ ભાજપના સમર્થકો તરફથી કોઈ ફોન આવ્યો નથી. આના પરથી સંકેત મળે છે કે, એકનાથ શિંદેને ભાજપના લોકો પણ પસંદ કરતા નથી. જે તેમની સાથે ગઠબંધનમાં સત્તા પર બેઠા છે.
કુણાલની નવી પેરડી હમ હોંગે કંગાલ પણ વાઈરલ
કુણાલ કામરાએ વિવાદો અને ધમકીથી ડરવાને બદલે સામો પ્રહાર કર્યો છે. તેણે વધુ એક નવી પેરડી બનાવી છે. જેમાં તે ગાઈ રહ્યો છે… ‘હમ હોંગે કંગાલ એક દિન, મન મેં હે અંધવિશ્વાસ, દેશ કા સત્યાનાશ, હમ હોગે કંગાલ એક દિન, હોગે નંગે ચારો ઓર, કરેંગે દંગે ચારો ઓર, પુલિસ કે પંગે ચારો ઓર એક દિન, એક દિન મન મેં નથુરામ, હરકતેં આસારામ, હમ હોંગે કંગાલ એક દિન.’
વિધાનસભામાં કામરાનો મુદ્દો ઉછળ્યો
કુણાલ કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત ભોલી સી સુરતની પેરડી કરી હતી. આ ગીતમાં તેમણે એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો અને તેમને દેશદ્રોહી કહ્યા હતા. જેનાથી શિવસૈનિકો ઉશ્કેરાયા હતા. તેમણે હોટલના સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. તેમજ કામરાને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. વિધાનસભામાં પણ કામરાનો મુદ્દો ઉછળ્યો હતો. તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કહી સોશિયલ મીડિયા અને આ પ્રકારના પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાની માગ થઈ હતી.