– સિક્કીમમાં લગભગ 1,700 પ્રવાસી બચાવાયા
– નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ચેતવણી જારી કરવામાં આવી : મણિપુરમાં 20 હજારથી વધુને અસર
નવી દિલ્હી : પૂર્વ ભારતમાં ભારે વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે. ભારે વરસાદના લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનના લીધે પૂર્વી રાજ્યોમાં કુદરતી હોનારતની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં ચાર લાખને અસર થઈ છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદના લીધે કેટલાય લોકોને વિસ્થાપિત થવું પડયુ છે. નદીઓ તોફાને ચઢતાં કાંઠા પરના કેટલાય ઘરો ડૂબી ગયા છે.
ભારતના હવામાન વિભાગે તો આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતાં ચેતવણી આપી છે કે હજી પણ વધુ ભારે વરસાદ પડી શકે છે. આ જ પ્રકારની ચેતવણી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે જારી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતમાં વરસાદ જાણે વરસાદ ન રહેતા સતત વરસતો રહેતો જળધોધ બની ગયો હોય તેવી સ્થિતિ છે. તેના કારણે નદીઓ કાંઠા તોડીને બધે ફેલાઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
આસામમાં વધુ બે મોત સાથે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુનો આંકડો દસ પર પહોંચ્યો છે. ૨૦ જિલ્લાના ચાર લાખ લોકો અસર પામ્યા છે. સત્તાવાર અહેવાલ મુજબ બ્રહ્મપુત્રા અને ધનસિરી મુજબ સાત નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આસામના મુખ્યપ્રધાન હિમન્તા બિસ્વા સરમાએ ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ હજી વણસી શકે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીએમ હિમન્તા સાથે વાત કરી છે અને કેન્દ્રના પૂરેપૂરા સમર્થનની ખાતરી આપી છે. સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતીય હવાઇદળને ખડેપગે રાખવામાં આવ્યું છે. આસામ-અરૂણાચલ પ્રદેશ પર ફસાયેલા ૧૪ વ્યક્તિને બચાવી લેવાયા છે. ભારે વરસાદના લીધે રસ્તો, રેલ્વે અને ફેરી સર્વિસ બધા પર અસર પડી છે. નેશનલ હાઇવે-૧૭ ક્ષતિગ્રસ્ત થતાં વાહનવ્યવહાર થંભી ગયો છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાના લીધે ચાર ટ્રેન રદ કરવામાં આવી છે. આસામ સરકારે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલાઓ માટે ચાર લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. લગભગ ૩,૫૦૦ હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. ૭૦૦ ઢોરઢાંખર માર્યા ગયા છે. ૫૨ કેમ્પમાં દસ હજાર લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. ચાર જિલ્લાના ૪૧ હજારથી વધુ અસરગ્રસ્ત માટે ૧૦૩ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
મણિપુરમાં લગભગ ૨૦ હજારથી વધુ લોકોને અસર થઈ છે. નદીઓએ ભયજનક સપાટી વટાવતા લગભગ ૩,૫૦૦થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. ઇમ્ફાલમાં ૩૧ રાહત કેમ્પ સ્થાપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૭ ભૂસ્ખલન નોંધાયા છે. ભારતીય લશ્કર અને આસામ રાઇફલ્સની રાહત કામગીરી દ્વારા ૮૦૦થી વધુ લોકોના જીવ બચાવાયા છે.
આવી જ સ્થિતિ સિક્કીમમાં છે. ઉત્તરી સિક્કીમમાં લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા ૧,૭૦૦ પ્રવાસીઓને બચાવી લેવાયા છે. જો કે હજી પણ ૧૦૦ જેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયેલા હોવાનું મનાય છે. આ ઉપરાંત શિમલામાં પણ ભારે વરસાદના લીધે વાવાઝોડાં, વીજળી અને ઝડપી પવનને ધ્યાનમાં લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે.
સિક્કીમમાં ભારે વરસાદથી વિનાશક પૂર
સિક્કીમમાં ભૂસ્ખલનમાં ત્રણ સૈનિકોના મોત અને છ ગુમ
– પ્રવાસીઓને બચાવવાની કાર્યવાહી જોરશોરથી જારી, ભૂસ્ખલનના લીધે વિલંબ
નવી દિલ્હી : નોર્થ સિક્કીમના ચટ્ટન એરીયામાં થયેલા ભૂસ્ખલનમાં ત્રણ સૈનિકોના મોત થયા છે અને છ સૈનિકો હજી ગુમ છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. તેમા હજી પણ ગુમ થયેલા સૈનિકોની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. સિક્કીમમાં ભૂસ્ખલનના લીધે નજીકની વસાહતોને વ્યાપક પાયા પર નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે લાચેન અને લાચુંગ વિસ્તારમાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે.
લશ્કરના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં મૃતકોની ઓળખની પ્રક્રિયા જારી છે અને ગુમ થયેલાની તલાશ જારી છે. લાચુંગ હોટેલ એસોસિયેશનના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ફસાયેલા પ્રવાસીઓને બહાર નીકાળવા માટે પોલીસ, વનવિભાગ અને સ્થાનિકોની મદદથી સંયુક્ત રીતે પ્રયત્નો જારી છે.
લાચુંગ્પા સમુદાયના સભ્યો અને હોટેલ માલિકોએ પ્રવાસીઓની સુરક્ષા માટે વ્યક્તિગત ધોરણે જવાબદારી લીધી છે. પ્રવાસીઓને લોજિસ્ટિક્સમાં મદદ કરવામાં આવી રહી છે, તેમનો સામાન મોકલવામાં આવી રહ્યો છે અને બાળકોને મદદ કરવામાં આવી રહી છે.
મંગન જિલ્લાના પોલીસ સુપરિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે શિપગ્યેર અને ડોઝોંગુમાં ભૂસ્ખલનના લીધે પ્રવાસીઓની બહાર નીકાળવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો. હવે તે સોમવારથી શરૂ થઈ છે.