નવી દિલ્હી : ભારતીય ઓનલાઈન સ્ટાર્ટઅપ્સ અને ટેક પ્રોડક્ટ કંપનીઓએ સંસદીય સમિતિને જણાવ્યું છે કે ડિજિટલ સ્પર્ધા બિલના ડ્રાફ્ટ હેઠળ નિવારણ નિયમોની મર્યાદા એવી રીતે વધારવી જોઈએ કે જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને નવીનતાનું રક્ષણ કરે.
સંસદીય સમિતિ વધતી જતી અર્થવ્યવસ્થામાં, ખાસ કરીને ડિજિટલ લેન્ડસ્કેપમાં, ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ)ની ભૂમિકા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિએ કેટલાક ભારતીય ઓનલાઇન ખેલાડીઓના સૂચનો પર કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. માર્ચ ૨૦૨૪ માં કોર્પોરેટ બાબતોના મંત્રાલયની નિષ્ણાત સમિતિ દ્વારા ડિજિટલ સ્પર્ધા બિલના ડ્રાફ્ટ માટેના સંભવિત નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા.
ડિજિટલ સ્પર્ધા બિલની જોગવાઈઓ સિસ્ટમેટિકલી સિગ્નિફન્ટ ડિજિટલ એન્ટરપ્રાઇઝ માટે માત્રાત્મક અને ગુણાત્મક માપદંડો નક્કી કરે છે, જેમ કે ભારતમાં રૂ. ૪,૦૦૦ કરોડથી ઓછું ન હોય અથવા ૩૦ બિલિયન ડોલરથી ઓછું ન હોય તેવું વૈશ્વિક ટર્નઓવર.
અન્ય માપદંડોમાં ભારતમાં રૂ. ૧૬,૦૦૦ કરોડથી ઓછું ન હોય તેવું કુલ વેપારી મૂલ્ય, ૭૫ બિલિયન ડોલરથી ઓછું ન હોય તેવું વૈશ્વિક બજાર મૂડીકરણ સામેલ છે. જો એન્ટરપ્રાઇઝ દ્વારા ઓફર કરવામાં આવતી મુખ્ય ડિજિટલ સેવામાં ઓછામાં ઓછા ૧૦ મિલિયન અંતિમ વપરાશકર્તાઓ અથવા ૧૦,૦૦૦ વ્યવસાયિક વપરાશકર્તાઓ હોય, તો તે સિસ્ટમેટિકલી સિગ્નિફન્ટ ડિજિટલ એન્ટરપ્રાઇઝ હશે.