અમદાવાદ : યુએસમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ નીતિ પર ટ્રમ્પ વહીવટીતંત્રના વલણને કારણે શિક્ષણ લોન ઓફર કરતી મોટાભાગની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમનું વલણ બદલવાની ફરજ પડી છે. આ ગતિવિધિના પગલે એજ્યુકેશન એટલે કે શિક્ષણ લોનની વૃદ્ધિ રુંધાવાની શક્યતાઓ પ્રબળ બની છે.
નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીસ) માટે તાજેતરના વર્ષોમાં શિક્ષણ લોન જે ઝડપથી વધી રહેલું સેગમેન્ટ હતું તે હવે મંદ પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ૭૭ ટકા અને નાણાં વર્ષ ૨૦૨૫માં ૪૮ ટકા જેટલો વધારો થયા બાદ એનબીએફસી ક્ષેત્રમાં શિક્ષણ લોન વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં મંદ પડી ૨૫ ટકા પર આવી જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
અમેરિકન સરકારની સખત વિઝા નીતિ અને નીતિઓમાં ફેરબદલને કારણે અમેરિકા તરફ જતા વિદ્યાર્થીઓને લોન છૂટી કરવામાં ધિરાણદારો સાવચેતી ધરાવી રહ્યા છે એમ ક્રિસિલ રેટિંગના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
અમેરિકા તથા કેનેડા દ્વારા વિઝા નિયમોને સખત બનાવાઈ રહ્યા હોવાથી એનબીએફસીસ અન્ય દેશોમાં જતા વિદ્યાર્થીઓને લોન છૂટી કરવામાં પ્રાધાન્ય આપી રહી છે. હાલમાં શિક્ષણ લોનની એસેટ કવોલિટી નિયંત્રણ હેઠળ છે, પરંતુ લોનના નોંધપાત્ર હિસ્સાનો મોરેટોરિઅમ સમયગાળો આવનારા મહિનાઓમાં સમાપ્ત થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા એસેટ કવોલિટી કથળવાનું જોખમ રહેલું છે. એનબીએફસીસની શિક્ષણ લોન એસેટ અન્ડર મેનેજમેન્ટનો આંક નાણાં વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં રૂપિયા ૮૦,૦૦૦ કરોડ પહોંચવા અપેક્ષા હોવાનું એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૪માં રૂપિયા ૪૩૦૦૦ કરોડથી વધી આ આંક નાણાં વર્ષ ૨૦૨૫માં રૂપિયા ૬૪૦૦૦ કરોડ પહોંચી ગયો હતો. ભારતના વિદ્યાર્થીઓ માટે અમેરિકા જે મુખ્ય મથક રહ્યું છે તેમને લોન છૂટી કરવામાં એનબીએફસીસ દ્વારા જોરદાર ઘટાડો કરાયો છે.
નીતિમાં અનિશ્ચિતતા, વિઝા એપોઈન્ટમેન્ટમાં ઘટાડો તથા ઓપ્શનલ પ્રેકટિકલ ટ્રેનિંગ ધોરણોમાં સૂચિત નાબુદીને ધ્યાનમાં રાખી નવી લોન્સ છૂટી કરવા પર કાપ આવી રહ્યો છે. માત્ર અમેરિકા જ નહીં કેનેડા જતા વિદ્યાર્થીઓને પણ લોન પૂરી પાડવા પર કાપ મુકાઈ રહ્યો છે.
હાલ વિદ્યાર્થીઓ પોતે અમેરિકન યુનિવર્સિટીઓનો વિકલ્પ પસંદ કરી રહ્યા નથી કારણ કે તેઓ માને છે કે આ અનિશ્ચિતતા ટૂંક સમયમાં દૂર થવાની નથી.આ ઉપરાંત, વિદ્યાર્થીઓ એ પણ જોઈ રહ્યા છે કે આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેટલાક અન્ય નાના દેશોમાં અભ્યાસ કર્યા પછી નોકરીની સારી સંભાવનાઓ છે.
માર્ચ ૨૦૨૫ સુધીના ડેટા મુજબ, કુલ શિક્ષણ લોન પોર્ટફોલિયોમાં યુએસનો હિસ્સો પહેલાથી જ ઘટીને ૫૦ ટકા થઈ ગયો છે, જે માર્ચ ૨૦૨૪માં ૫૩ ટકા હતો અને એવી અપેક્ષા છે કે આગામી કેટલાક વર્ષોમાં યુએસનો હિસ્સો વધુ ઘટશે કારણ કે ધિરાણકર્તાઓ અન્ય દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.