વડોદરા,પાદરા તા.૧૨ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર પાસે મહિ નદી પરનો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના ચોથા દિવસે પણ ગુમ થઇ ગયેલાઓને નદીમાંથી શોધવા માટે ક્વાયત હાથ ધરાઇ છે. વિવિધ એજન્સીઓ દ્વારા સવારે સાડા છ વાગ્યાથી જ ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું હતું.
આ દુર્ઘટનામાં અત્યારસુધી ૨૦ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે હજી એક વ્યક્તિની શોધખોળ શરૃ છે. નરસિંહપુરા ગામનો ૨૨ વર્ષનો વિક્રમ નામનો યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મુજપુર પાસેથી મહી નદીમાં પ્રવાહ બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ પ્રવાહ વહે છે. તેના કારણે ઉપરવાસ અને હેઠવાસ, એમ બંને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
પુલ દુર્ઘટનામાં વિક્રમ સહિત અન્ય કોઈ આ સ્લેબ નીચે દબાયેલું છે કે કેમ? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં મૃતકોને બહાર કાઢવા, બીજા તબક્કામાં વાહનોને અને છેલ્લા તબક્કામાં બ્રિજનો તૂટી ગયેલો સ્ક્રેપ બહાર કાઢવામાં આવશે.
ટાઇલ્સ ભરેલી એક ટ્રકની નીચે ઇકો જેવું કોઇ વાહન દબાયું હોવાની આશંકા હતી પરંતુ તે ટ્રક બહાર કાઢ્યા બાદ તેની નીચે કોઇ વાહન દબાયેલું નહી મળતાં તંત્રે રાહત અનુભવી હતી. નદીના પાણીમાં પડેલ એસિડ ભરેલી ટેન્કરના કારણે ખૂબ જ સાવચેતીથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.