અમદાવાદ,મંગળવાર,15 જુલાઈ,2025
એક મહીનામાં વરસાદના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારના રોડ
ઉપર પડેલા ખાડા પુરવાની તથા રોડ રીસરફેસ કરવાની કામગીરી મામલે મ્યુનિસિપલ કમિશનરને
રાઉન્ડ લેવાની ફરજ પડી હતી.વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદના
કારણે ખરાબ થઈ ગયેલા રોડ ઉપર પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
અત્યારસુધીમાં શહેરમાંથી રોડ ઉપર ખાડા પુરવાની ૭૩૨૬ ફરિયાદ મળી છે. આ પૈકી ૬૫૯૪
ખાડા પુરી દેવાયા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર વોર્ડમાં મંગળવારે
સવારે મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે રોડ રીસરફેસની
ચાલી રહેલી કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ.વરસાદથી ખરાબ થયેલા રોડને લઈ મ્યુનિસિપલ
કમિશનરે કહયુ,શહેરના
તમામ રસ્તાઓ ઉપર રોજ સવારે નિરીક્ષણ કરીને જયાં પણ ખાડા હોય ત્યાં તરતજ સમારકામ
કરવામા આવે છે.સવારે અને રાત્રિના સમયે જ રોડના સમારકામની કામગીરી કરવામાં આવે
છે.જેનાથી દિવસ દરમિયાન નાગરિકોના કોઈપણ કામમા અડચણ ના આવે.કોર્પોરેશનને
કોમ્પ્રિહેન્સીવ રીડ્રેસલ સિસ્ટમથી શહેરીજનો તરફથી ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરામાં કોઈપણ ખાડા જોવા મળે
તેનુ તરત જ મોનિટરીંગ કરી સમારકામ કરવામાં
આવે છે.કોર્પોરેશને ખાડા પુરવા અને રોડ રીસરફેસ કરવા અત્યારસુધીમાં ૧૪૫૦૦
કોલ્ડમિકસ બેગનો ઉપયોગ કર્યો છે.આ ઉપરાંત ૭૫૦૦ ટન જેટલા હોટમિકસ મટિરીયલનો ઉપયોગ
કરાયો છે.
જેટપેચરથી નાના ખાડા પુરાઈ રહયા છે
કોર્પોરેશન પાસે ઈન્ફ્રા રેડ મશીનો છે.જેના દ્વારા રોડની
કામગીરી કરાઈ રહી છે. હાલમાં જેટપેચરથી વિવિધ રોડ ઉપરના નાના ખાડાનુ સમારકામ થઈ
રહયુ છે.પીપળજ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રતિ કલાક ૧૮૦ ટનની ક્ષમતાનો હોટમિકસ
પ્લાન્ટ આવેલો છે. ઉપરાંત એક ખાનગી હોટમિકસ પ્લાન્ટ પણ છે.
રોડના સમારકામ માટે આ નંબર ઉપર ફરિયાદ કરી શકાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી.સી.આર.એસ.ના ઓનલાઈન ફરિયાદ માટેના ૧૫૫૩૦૩ નંબર ઉપરાંત ૭૫૬૭૮૫૫૩૦૩
વોટસઅપ નંબર લોકો રોડને લગતી ફરિયાદ કરી
શકે એ માટે જાહેર કરવામાં આવ્યા છે.