બે ફરિયાદમાં નોટરી સહિત 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો
ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોલાવાયેલા 7 ખાતામાં રૂા.9.50 કરોડ, આઈસીઆઈસીઆઈ બેન્કના 1 ખાતામાં રૂા.3 કરોડ જમા થયા
રાજકોટ: રાજકોટની બેન્કમાં ખોલાવાયેલા આઠેક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૧ર.પ૦ કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ થયો છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે નોટરી સહિત કુલ ૧૧ આરોપીઓ સામે બે અલગ-અલગ ગુના દાખલ કરી તપાસ આરંભી છે.
સાયબર ક્રાઈમ પોલીસે સાયબર લેબની મદદથી સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાઓ અંગે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોલાવાયેલા ૭ ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૯.પ૦ કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ થયો હતો. પીઆઈ એમ.એ. ઝણકાતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જે ૭ પેઢીના નામે આ બેન્ક ખાતા ખોલાવાયા હતા તે તમામ પેઢીનું કોઈ અસ્તિત્વ નથી.
જેથી બેન્ક ખાતા ખોલાવનાર મયુર હિતેન્દ્ર ખુંગલા , રોમેશ અમીરભાઈ મુખીંડા (રહે. બંને મનહર સોસાયટી શેરી નં.૧૦, આરટીઓ પાછળ), મીત લાલબહાદુર ગુપ્તા અને લાલબહાદુર નરોતમ ગુપ્તા (રહે. બંને જલારામ સોસાયટી, મોરબી રોડ)ની પુછપરછ કરતાં ચારેયે એવી કબુલાત આપી હતી કે સારૂ કમિશન મેળવવા માટે રાજેન્દ્ર નવલ ખુંગલા અને પ્રવીણ પરસોતમ સંખારવાની મદદથી જુદી-જુદી પેઢીના ખોટા સિકકા, ખોટી પાર્ટનરશીપ ડીડની મદદથી, જુદી-જુદી પેઢીના નામના પાનકાર્ડ કઢાવી અને અન્ય સર્ટીફિકેટની મદદથી બેન્ક ખાતા ખોલાવ્યા હતા. બદલામાં તેમને સારૂ કમિશન મળ્યું હતું.
જેથી બે પૈકીના એક એવા મુખ્ય સુત્રધાર પ્રવીણ સંખારવા (રહે. તીરૂપતિ પાર્ક-૧, બેડીપરા)ની પુછપરછ કરતાં તેણે કહ્યું કે મુંબઈના આશિષને ઓનલાઈન ગેમીંગ અને ફ્રોડના રૂપિયા જમા કરાવવા માટે આ તમામ બેન્ક ખાતા આપ્યા હતા. જેના બદલામાં તમામ ખાતાધારકોને તગડું કમિશન આપતો હતો.
એટલું જ નહીં તમામ બેન્ક ખાતા ખોલાવવા માટે રજૂ કરવામાં આવેલ પાર્ટનરશીપ ડીડનું નોટરાઈઝડ જીજ્ઞાાશા બાંભવા દ્વારા કરવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઈમ પોલીસે પાંચ ખાતા ધારકો મયુર, રોમેશ, લાલબહાદુર, મીત, હાર્દિક જગદીશ લીંબાસીયા, બે મુખ્ય સુત્રધારો પ્રવીણ, રાજેન્દ્ર, નોટરી જીજ્ઞાાષા અને મુંબઈના આશિષ સામે ગુનો દાખલ કર્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે એક ખાતાધારકનું અકસ્માતમાં મોત થયું છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયાએ સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલા અન્ય ખાતા અંગે તપાસ કરતાં આઈસીઆઈસીઆઈ બેન્કનું એક ખાતું મળી આવ્યું હતું. શ્રી રઘુવંશી એન્ટરપ્રાઈઝના નામે ખોલાવાયેલા આ કરંટ ખાતાની કેવાયસી ડિટેઈલ મેળવતાં ખાતું કેતન કિશોર બોપલીયાના નામનું હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે પેઢીનું સરનામું રેલનગર, ૮૦ ફૂટ રોડ, એ-શ્યામા સ્કાય લાઈફ બિલ્ડીંગ, જયારે બીજું સરનામું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે હિંગળાજનગર શેરી નં.૭નું હતું. ખાતા ધારક કેતનના સરનામામાં આફ્રિકા કોલોની શેરી નં.૩ દર્શાવાયું હતું. જેથી તેના નામ-સરનામા અને મોબાઈલ નંબરના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તેને શોધી લઈ પુછપરછ કરતાં તેણે કહ્યું કે આશરે ત્રણ વર્ષ પહેલાં ર્સ્ટલિંગ હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે સિકયુરીટીમાં નોકરી કરતો જીત ભરતભાઈ કુકડીયા (રહે. નાણાવટી ચોક, ગીરીરાજનગર) તેને મળ્યો હતો.
જેણે તેને કહ્યું કે જો તારા નામનું કરંટ બેન્ક એકાઉન્ટ હોય તો મને આપ, મારે તેમાં ઓનલાઈન ગેમીંગના રૂપિયા ટ્રાન્સફર કરાવવાના છે, જેનું તને કમિશન મળશે. ત્યાર પછી તેણે જીતની મદદથી શ્રી રઘુવંશી એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું કરંટ બેન્ક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખોલાવ્યું હતું. બદલામાં કમિશન પેટે તેને કેતને રૂા.૩ હજાર આપ્યા હતા. તેણે કેતનને બેન્ક ખાતાની કિટ આપી દીધી હતી.
ત્યારબાદ આજ બેન્ક એકાઉન્ટમાં ગઈ તા.૧૪-૬-ર૦ર૩ થી લઈ તા.૬-૯-ર૦ર૩ના સમયગાળા દરમિયાન જુદા-જુદા રાજયમાં થયેલા ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના રૂા.૩.૦૬ કરોડ જમા થયા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે જીતની પણ પુછપરછ શરૂ કરતાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવવાની શકયતા છે. સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કિસ્સામાં રાજકોટની ટોળકીએ બીજા રાજયના લોકો સાથે સાયબર ફ્રોડ કર્યું હોવાની શંકા છે. રાજકોટની ટોળકી બીજી કોઈ ટોળકી સાથે સંકળાયેલી છે કે કેમ તે અંગે હવે તપાસ કરવામાં આવશે.
પાર્ટનરશીપ ડીડમાં બે આરોપીઓની અન્યોએ સહીઓ કર્યાનું ખુલ્યું
રાજકોટ, મંગળવાર
ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ખાતાધારક મયુર અને રોમેશની પાર્ટનરશીપ ડીડ અને બેન્ક એકાઉન્ટના કેવાયસીમાં કરવામાં આવેલી સહીઓ અલગ પડતી હોવાથી પુછપરછ કરતાં કહ્યું કે બેન્ક ખાતુ ખોલાવતી વખતે તેમણે સહીઓ કરી હતી. પરંતુ પાર્ટનરશીપ ડીડ વખતે તેમણે સહીઓ કરી ન હતી. મુખ્ય સુત્રધાર પૈકીના પ્રવીણે બંનેને કહ્યું હતું કે નોટરી જીજ્ઞાાષાબેન તેના જાણીતા છે અને તમે બંને પાર્ટનરશીપ ડીડમાં સહી કરવા નહીં આવો તો તે જ તેની વ્યવસ્થા કરી નાખશે. જેથી બંનેની સહીઓ બીજા કોઈએ કર્યાની શકયતા છે. આરોપી મયુર વેપાર કરે છે. આરોપી રોમેશ ફુડની ડિલીવરી કરતી કંપનીમાં રાઈડર છે. આરોપી મીત અને તેના પિતા લાલબહાદુર ગેરેજ ધરાવે છે.
– કેટલી રકમ જમા થઈ તે અંગે તપાસ
રાજકોટના વધુ ત્રણેક બેન્ક ખાતાનો સાયબર ફ્રોડમાં ઉપયોગની શંકા
બેન્કના સંબંધિત કર્મચારીઓની ભૂમિકાની પણ સાયબર ક્રાઈમ પોલીસ તપાસ કરશે
રાજકોટ, મંગળવાર
સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે જીતે, કેતન પાસે ખાતું ખોલાવી તેનો સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત જીતે પોતાનું અને પિતાના નામનું ખાતું પણ આપી દીધાનું બહાર આવ્યું છે. આ બંને ખાતામાં પણ સાયબર ફ્રોડની રકમ જમા થયાની તપાસનીશોએ શંકા દર્શાવી છે. જો કે બંને ખાતામાં ખરેખર કેટલી રકમ જમા થઈ છે તે વિશે હજૂ સુધી તપાસનીશોને કોઈ માહિતી મળી નથી. આવતીકાલ સુધીમાં આ માહિતી મળી જાય તેવી શકયતા છે.
ત્યાર પછી અનેક નવા ખુલાસા થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. એટલું જ નહીં જીતની પુછપરછમાં સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા બીજા નામોનો પણ ખુલાસો થશે.
તપાસનીશો બેન્કનાં કર્મચારીઓની પણ આ કૌભાંડમાં સંડોવણી અંગે તપાસ કરશે. તપાસનીશોનું કહેવું છે કે એક જ ખાતામાં શંકાસ્પદ રીતે માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં આટલી મોટી રકમના ટ્રાન્જેકશન થયા હોય છતાં બેન્કના સંબંધિત કર્મચારીઓને કોઈ ગંધ ન આવે તે બાબત શંકા ઉપજાવે તેવી છે. આ જ કારણથી બેન્કના સંબંધિત કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.