Surti Khaja: સુરત ખમણ- લોચો- ઊંધીયું કે આલુપુરી અથવા સુરતી ભોજન માટે વિશ્વમાં પ્રખ્યાત છે, પરંતુ ચોમાસાનો વરસાદ શરુ થાય એટલે સુરતીઓની પ્રિય વાનગી સરસિયા ખાજાની સિઝન પણ શરુ થાય છે. જોકે, સમયની સાથે અને લોકોના ટેસ્ટ આધારિત સુરતની ઓળખ એવા સરસિયા ખાજા બનાવવાની રીત અને મટીરીયલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. સુરત સહિત વિશ્વમાં સરસિયા ખાજા વખણાઈ છે, પરંતુ હવે સરસિયા ખાજા સરસિયાના તેલમાં નહીં પણ કપાસિયા કે સિંગતેલમાં બને છે તેમ છતાં હજુ પણ ખાજા સરસિયા ખાજા તરીકે જ ઓળખાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સરસિયા ખાજા બનાવવાના કારીગરો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી આવે છે.
વરસાદ શરુ થતાં સુરતીઓમાં ખાજાના દિવાના થઈ જાય છે
સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત વિશ્વ વિખ્યાત છે, તેનું કારણ એવું છે કે સુરતની અનેક વાનગીઓ વિશ્વ વિખ્યાત છે જેના કારણે સુરતની અનેક વાનગીની વિશ્વના અનેક દેશોમાં પણ ડિમાન્ડ જોવા મળે છે. તેવી જ એક વાનગી છે સરસિયા ખાજા ચોમાસામાં વરસાદ શરુ થાય એટલે સુરતીઓ ખાજાના દિવાના થઈ જાય છે અને ખાજા લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. વરસાદી માહોલમાં ખાજા પર લીંબુનો રસ નાખીને સરસિયા ખાજાની જયાફત ઉઠાવે છે. જોકે, ચોમાસા દરમિયાન સુરતની હોટ ફેવરિટ વાનગી સરસિયા ખાજા સરસિયા તેલમાંથી બનવાનું બંધ થઈ ગયું છે, તે ભાગ્યે જ કોઈને ખબર હશે
ખાજા બનાવનાર શૈલેષ પટેલ કહે છે, ‘સમયની સાથે લોકોની પાચન શક્તિ અને ટેસ્ટમાં પણ બદલાવ આવ્યો છે. આજના સમયે લોકોને મેંદો અને સરસિયા તેલમાં બનેલી વાનગી પચાવવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે લાંબા સમયથી સુરતી ખાજા સિંગતેલ અથવા કપાસિયા તેલમાં બની રહ્યા છે. જો કે, તેમ છતાં જ આ ખાજાની ઓળખ આજે પણ સુરતી સરસિયા ખાજા તરીકે જ થાય છે.
આ પણ વાંચો: સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો
વરસાદના ઝાપટાં શરુ થવાની સાથે જ મરી મસાલાથી ભરપૂર ખાજા સુરતીઓ માટે ફેવરિટ બની જાય છે. ખાજા બનાવવા માટેની મથામણ વધારે અને કારીગરો ઘણાં જ ઓછા છે તેથી ફરસાણના વેપારીઓને ખાજા બનાવવામાં મુશ્કેલી પડે છે. જો કે, સુરતી ફેમસ ખાજા બનાવવા માટેના કારીગર મોટા ભાગે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના છે. આ કારીગરો ખાજા બનાવવામાં માહેર હોવાથી તેઓ આઠ મહિના પોતાના વતનમાં ખેતી કરે છે અને ત્યારબાદ ચાર મહિના ચોમાસામાં સુરતમાં આવીને ખાજા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ કારીગરો ખાજા બનાવવામાં કોઈ કચાશ રાખતા નથી ઉપરાંત વર્ષોથી મસાલાનું પ્રમાણ જાળવી રાખે છે તેથી વર્ષોથી ખાજાનો એક સરખો ટેસ્ટ રહે છે.
કેટલાક વેપારીઓ મરીના બદલે સફેદ મરચાનો ઉપયોગ કરે છે
ચોમાસા દરમિયાન સુરતી સરસિયા ખાજા દુનિયામાં પ્રખ્યાત છે અને આ ખાજામાં અન્ય મસાલા સાથે મરી મુખ્ય ઘટક છે. પરંતુ મરીની કિંમત વધુ હોવાથી કેટલાક વેપારીઓ મરીની તીખાશ ને બદલે સફેદ મરચાંનો ઉપયોગ કરે છે. ઓછા મરી અને વધુ સફેદ મરચુંનો ઉપયોગ કરે છે તેથી ખાજામાં મરી દેખાઈ છે અને સફેદ મરચાંની તીખાશ પણ આવે છે.
સુરતમાં સરસિયા ખાજા સાથે સાથે મેંગો ખાજા, ચોકલેટ ખાજા પણ માર્કેટમાં
મૂળ સુરતીઓ મરી મસાલાથી ભરપૂર તીખા ખાજા લીંબુ નીચોવીને ખાવા માટે તૈયાર છે. પરંતુ નવી પેઢીને તીખો તમતમતા ટેસ્ટ પસંદ નથી તેથી છેલ્લા કેટલાક વર્ષથી ખાજાના ટેસ્ટમાં ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યો છે. હવે ખાજા પણ ફ્લેવરમાં મળતા થયા છે. હવે સુરતમાં તીખા ખાજા સાથે મોળા, મીઠા ખાજા સાથે મેંગો અને ચોકલેટ ખાજાનો ટ્રેન્ડ પણ શરુ થયો છે.
આ પણ વાંચો: અમરેલી-રાજકોટ નેશનલ હાઇવે પરનો પુલ બન્યો જર્જરિત, ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં
બાળકોને ચોકલેટ ખૂબ ભાવે છે અને બાળકો મરીવાળા ખાજા ખાતા નથી એટલે વેપારીઓએ ચોકલેટ ખાજા બનાવવાનું શરુ કર્યું હતું અને લોકોને આ ટેસ્ટ ઘણો જ ભાવ્યો છે. આ ઉપરાંત મેંગો અને મીઠા ખાજાનું પણ વેચાણ થઈ રહ્યું છે.