Gujarat government’s response on Bullet Train land: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાની સરકારી જમીનનો કબજો નહી મળતાં આખરે દિલ્હીથી પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા પરંતુ સરકાર પાસેથી કોઈ યોગ્ય જવાબ નહી મળતા આખરે નિરાશ થવું પડયું હતું.
છેલ્લા બે વર્ષથી જમીન માટે પત્રવ્યવહાર કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ થાક્યા
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન જ્યાં બનવાનું છે, તેમજ પાર્કિંગ અને ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ થવાનું છે તે જમીન માર્ગ અને મકાન હસ્તક આવેલી છે. આ પ્રોજેક્ટ માટે 17,908 ચો.મી.જમીન ફાળવવામાં આવી છે અને તે માટે રૂા.174.40 કરોડ એપ્રિલ 2024માં સરકારમાં જમા પણ કરાવી દેવાયા છે પરંતુ ત્યારબાદ હજી સુધી જમીનનો કબજો પ્રોજેક્ટ માટે નહીં સોંપાતા કામ અટકી ગયું છે. છેલ્લા બે વર્ષથી જમીન માટે પત્રવ્યવહાર કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ થાકી ગયા છે
જમીનનો કબજો હજુ સુધી સોંપાયો નથી
આજે પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદિપ શર્મા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દિલ્હીથી વડોદરા દોડી આવ્યા હતાં. તેઓ સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા પરંતુ જમીનનો કબજો રાજ્ય સરકાર પાસે જ છે અને હજી સુધી સોંપાયો નહી હોવાથી સ્થળ પરથી જ રાજ્ય સરકારના અધિકારીઓને ફોન કરી સ્ટેટસ જાણવાનો પ્રયત્ન કરવા છતા ‘જોઈ લઈશું’ તેવો સરકારી જવાબ મળ્યો હતો.
આ પણ વાંચો: ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા
ગુજરાતના અધિકારી દ્વારા યોગ્ય રિસ્પોન્સ નથી મળી રહ્યો
બુલેટ ટ્રેનના અધિકારી દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને ફોન કરતા તેમણે કહ્યું કે, ‘મારે ઘણા કામો હોય છે, હું જોઈ લઈશ તેવો જવાબ મળ્યો હતો.’ જ્યારે અધિક્ષક ઈજનેરને પણ ફોન કરી સ્ટેટસ જાણવાનો પ્રયત્ન કરતા ત્યાંથી પણ યોગ્ય રિસ્પોન્સ મળ્યો ન હતો.
બુલેટ ટ્રેનનું કામ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની આડોડાઈના કારણે અટવાઈ જતા દિલ્હીથી આવેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ નિરાશ થવું પડયું હતું.