Parliament Monsoon Session : આજથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં પહલગામ અને ઓપરેશન સિંદૂર મામલે ભારો હોબાળો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી દિવસમાં ચાર વખત સ્થગિત થયા બાદ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે. લોકસભામાં વિપક્ષોના ભારે હોબાળાના કારણે કાર્યવાહી થઈ શકી નથી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં સરકાર વિપક્ષના સભ્યો સાથે ચર્ચા કરવા માટે તૈયાર હોવાની વાત કહી છે, જોકે વિપક્ષોએ બંનેની વાત સ્વિકારી નથી.
બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર 25 કલાક ચર્ચા થશે
બીજીતરફ બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠક યોજાઈ હતી, જેમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે કલાકો નિર્ધારીત કરાયા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાકનો સમય નિર્ધારીત કરાયો છે, જ્યારે રાજ્યસભામાં 9 કલાકો સમય ફાળવાયો છે. આમ સંસદના બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર કુલ 25 કલાક ચર્ચા થશે.
IT બિલ અને મણિપુર બજેટ માટે પણ ચર્ચાના કલાકો નિર્ધારીત કરાયા
આ ઉપરાંત સંસદમાં નેશનલ ગેમ બિલ પર આઠ કલાકની ચર્ચા નિર્ધારીત કરાઈ છે. જ્યારે મણિપુર બજેટ પર બે કલાકની ચર્ચા થશે. આગામી સપ્તાહના સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર મામલે ચર્ચા થઈ શકે છે. આવકવેરા બિલ મામલે 12 કલાકની ચર્ચાનો નિર્ણય લેવાયો છે. બિઝનેસ એડવાઈઝરની બેઠકમાં એવો પણ નિર્ણય કરાયો છે કે, સંસદમાં શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન અને પરત ફર્યા અંગે પણ ચર્ચા થશે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર
સંસદમાં પીએમ મોદી ઉપસ્થિત રહે : વિપક્ષોની માંગ
વિપક્ષોએ બિઝનેસ એડવાઇઝરી કમિટી સમક્ષ એવી માંગ મૂકી છે કે, સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ (Rajnath Singh) હાજર રહે. બેઠક બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, સંસદમાં વડાપ્રધાન ઉપસ્થિત રહે, તેવું તમામ પક્ષો ઈચ્છે છે.
કોંગ્રેસ બીએસીની બેઠકથી અસંતુષ્ટ
કોંગ્રેસ સંસદીય દળના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, ‘કોંગ્રેસ બીએસીની બેઠકથી અસંતુષ્ટ છે. સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરાવ માટે ગંભીર નથી. આ મામલે ચર્ચા કરવા માટે સમયનો ઉલ્લેખ કરાયો નથી અને આશ્વાસન પણ અપાયું નથી. સરકારે ચર્ચા કરવા માટે સમય નિર્ધારીત કરવો જોઈએ.’
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય