અમદાવાદ,રવિવાર
સાસરીયાના ત્રાસથી કંટાળીને સરસપુરમાં રહેતી મહિલા શાહીબાગમાં રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા ગઇ હતી. મહિલાને બચાવીને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા મહિલાના પિયર પક્ષ અને સાસરી પક્ષના લોકો વચ્ચે સમાધાનની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન સાસરી તથા પિયર પક્ષના સગા વ્હાલા શહેરકોટડા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. તેઓ વચ્ચે તકરાર થતા આપઘાત કરવા ગયેલી મહિલાના સાસરીપક્ષના યુવકે મહિલાની બહેન ઉપર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના પિયર અને સાસરી પક્ષ વચ્ચે પોલીસ સમાધાનની કાર્યવાહી કરી રહી હતી ત્યારે બન્ને પક્ષના લોકો વચ્ચે પોલીસ સ્ટેશન બહાર તકરાર થતાં આ બનાવ બન્યો
સાબરમતીમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે ફરિયાદી મહિલા મેઘાણીનગર ખાતે રહેતા માતા-પિતાની ખબર કાઢવા માટે ગયા હતા. જ્યાં સાંજના છ વાગે તેમના પિતાને અજાણી વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે તમારી દિકરી દિશાબહેન સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા માટે આવી હતી જેને બચાવીને શહેર કોટડા પોલીસ સ્ટેશન લઇ જઇએ છે.
આ પ્રમાણેની વાત જાણીને ફરિયાદી મહિલા તથા તેમના માતા-પિતા આવ્યા હતા જ્યાં ફરિયાદીની બહેનના પતિ તથા સાસરી પક્ષના લોકો પણ ત્યાં આવેલા હતા. જ્યાં શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની બહેન તથા તેમના માતા અને પિતા તથા તેના સસરીપક્ષના લોકો સાથે પોલીસ સમાધાનની કાર્યવાહી કરી રહી હતી. આ સમયે શહેર કોટડા પોલીસ સ્ટેશન બહાર ફરિયાદી મહિલાના પિયર પક્ષના તથા તેમની બહેનના સાસરીના લોકો વચ્ચે વાત વાતમાં બોલાચાલી તકરાર થઇ હતી. જ્યાં આપઘાત કરવા ગયેલી મહિલાના નણંદના પુત્રએ ઉશ્કેરાઇને ફરિયાદી મહિલા અને તેમના માતા પિતાને ગાળો બોલીને ઝપાઝપી દરમિયાન છરીથી ફરિયાદી મહિલા ઉપર હુમલો કર્યો હતો.