સુરેન્દ્રનગરના જુના જંક્શનની વકીલ સોસા.ના રહિશોની હૈયાવરાળ
ગટરના પાણી બેક મારતા રહીશો ત્રસ્ત ઃ સાત દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પીઆઇએલ કરવાની ચિમકી
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરના જુના જંકશન સામે આવેલી વકીલ સોસાયટીમાં ૪૦ વર્ષથી ગંદા પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં રહેતા સ્થાનીક રહિશો સહિત આગેવાનોએ આ અંગે મનપા કમીશ્નરને લેકિત રજૂઆત કરી હતી અને આગામી સાત દિવસમાં કોઈ ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
જુના જંકશન સામે વકીલ સોસાયટીમાં અંદાજે ૧૫૦થી વધુ પરિવાર રહે છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિસ્તારમાં બે વખત ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે પરંતુ યોગ્ય કામગીરીના અભાવે ગટરનું ગંદુ પાણી બેક મારી લોકોના ઘરોમાં ઘુસી જાય છે અને ગંદા પાણીના કારણે લોકો ઘરમાં પણ રહી શકતા નથી.
વર્ષ ૧૯૮૮થી ૨૦૨૫ સુધીમાં અનેક વખત પાલિકા સહિત મનપા તંત્રને રજૂઆતો કરવા છતાં ગટરોના ગંદા પાણીનો નિકાલ થતો નથી. ગત વર્ષે પણ મનપા તંત્ર દ્વારા વકીલ સોસાયટીના બ્લોક નં.૧૭ પાસે ગટરમાં પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથધરવામાં આવી હતી પરંતુ આ પાઈપલાઈન પણ સદંતર નિષ્ફળ ગયી છે. મનપા તંત્રના એન્જીનીયર અને સ્થાનીક વોર્ડના એન્જીનીયર સહિતનાઓને અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી જેના કારણે સ્થાનીક રહિશો સહિત મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આથી સમસ્યાની ગભંરતાને ધ્યાને લઈ મનપા તંત્ર દ્વારા આગામી ૭ દિવસમાં ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવામાં નહિં આવે તો સ્થાનીક રહિશો અને આગેવાનો દ્વારા જવાબદાર અધિકારી અને કર્મચારી વિરૃધ્ધ કાયદેસરના પગલા ભરવાની તેમજ ફરજમાં બેદરકારી અંગે જાહેર હિતની અરજી દાખલ કરવાની પણ ચિમકી ઉચ્ચારાઈ છે.