વડોદરા,ગોત્રી રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ મોપેડ સવાર સિનિયર સિટિઝનનું સારવાર દરમિયાન મોત થયું છે. જ ેઅંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી રોડ હરિનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના મુકુંદકુમાર પ્રભુશંકર ત્રિવેદી ગત ૧૫ મી તારીખે સવારે ૯ વાગ્યે મોપેડ લઇને દૂધ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમનું મોપેડ આગળ જતી બાઇકના પાછળના ટાયરને અડી જતા તેઓ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કરજણ તાલુકાના મેથી ગામે રહેતો અજય જ્યંતિભાઇ વસાવા સી.એમ.એસ.આઇ.ટી. સર્વિસિસ પ્રા.લિ.માં ડેસ્કટોપ સ્પોર્ટ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગત તા. ૩૧ મી માર્ચે તે પત્ની સાથે ભાયલીમાં રહેતા મામાના ઘરેથી પરત ઘરે ફરતા હતા. તે સમયે પાદરા તરફથી આવતી શાહ ટ્રાવેલ્સની બસના ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાતા ઇજા થઇ હતી. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.