મેટોડા GIDCમાં બનેલી ઘટના હત્યા બાદ ભાગી ગયેલા બંને આરોપીઓને સ્થાનિક પોલીસ અને LCB એ મળી ઝડપી લીધા
રાજકોટ, : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચોસલા ગામના અને હાલમાં મેટોડામાં રહેતા દિલીપસિંહ પ્રવિણસિંહ ગોહીલ (ઉ.વ. 43)ની ગળું ક્રૂરતાથી હત્યા કરાયાનો બનાવ મેટોડા જીઆઈડીસી પોલીસમાં જાહેર થયો છે. આરોપી હાર્દિક મહીડાએ પોતાની પત્નીની છેડતીનું આળ મૂકી મિત્ર કેતન ઉર્ફે બીટુ બગડા સાથે મળી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
મૃતકના ભાઇ વિક્રમસિંહ (ઉ.વ. 45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઈ દિલીપસિંહના 2013માં લગ્ન થયા હતા. સંતાનમાં 10 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. છેલ્લા સાતેક વર્ષથી મેટોડા ખાતે હંસાબેન ડાંગર સાથે રહેતા હતાં. ત્રણેક વર્ષથી ઘરે પણ આવ્યા નથી. ગઇકાલે પોલીસે હત્યા અંગે જાણ કરી હતી.
તેના ભાઇ દિલીપસિંહ સાથે રહેતી હંસાબેને જણાવ્યું કે ગઇકાલે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ તેના મકાનની ઉપરના માળે રહેતા હાર્દિકે, દિલીપસિંહને મારી પત્નીની છેડતી કેમ કરે છે તેમ કહી સમાધાન માટે ગ્લોરિયસ સોસાયટીના ગેઇટ પાસે ખુલ્લા પ્લોટમાં બોલાવ્યો હતો. જ્યાં હાર્દિક અને તેના મિત્ર કેતન ઉર્ફે બીટુએ દિલીપસિંહ સાથે માથાકૂટ કર્યા બાદ કેતને મજબૂત રીતે પકડી રાખી, હાર્દિકે ગળામાં છરીના ઘા મારી મોત નિપજાવ્યું હતું. એટલું જ નહી ંબાદમાં બંને આરોપીઓ લાશને ઢસડીને પ્લોટમાં રહેલી સાઇટ ઓફિસ પાસે ઘાંસમાં મૂકી નાસી ગયા હતાં. મેટોડા જીઆઈડીસી પોલીસ અને એલસીબીએ ભેગા મળી ભાગી ગયેલા બંને આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપી હાર્દિક મેટોડામાં જયારે આરોપી કેતન લોધીકાના દેવગામમાં રહે છે.