વડોદરા, તા.5 વાઘોડિયા તાલુકા કુમેઠા ગામની ખેતીની જમીન વેચાણ કર્યા બાદ મૂળ માલિકોએ અન્યને પણ વેચાણ દસ્તાવેજ કરી રૃા.૧.૪૦ કરોડની છેતરપિંડી કરતા પોલીસે ભેજાબાજો સામે ગુનો દાખલ કર્યો હતો.
બાજવામાં રહેતા વિપુલ રમણભાઇ પટેલે જરોદ પોલીસ સ્ટેશનમાં કુમેઠા નવીનગરીમાં રહેતા પાંચ જમીન માલિકો અને દરજીપુરાના બે ભરવાડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અટલાદરાના ભાવિન નરેન્દ્ર ત્રિવેદીની રિયલ એસ્ટેટની ઓફિસનો હું વહીવટ કરું છું. મારા શેઠ છ માસ માટે અમેરિકા ગયા હોવાથી કુમેઠા ગામની જમીન અંગેની કાર્યવાહી અંગે મને પાવર ઓફ એટર્ની આપી છે.
અમે કુમેઠા ગામની ત્રણ સર્વે નંબરોની ૧.૨૨ લાખ ચોરસફૂટ આશરે રૃા.૨૦ કરોડની ખેતીલાયક જમીન જોયા બાદ અમોને પસંદ આવતા જમીન માલિકો સાથે તેનો સોદો નક્કી કરી નોટરી દસ્તાવેજ કર્યો હતો અને અવેજમાં રૃા.૧.૩૦ લાખ અને બાદમાં રૃા.૮ લાખ ચૂકવ્યા હતાં. આ જમીન પ્રતિબંધિત સત્તા પ્રકારની હોવાથી શરતફેર કરી તેને એનએ કરવાની જવાબદારી અમે લીધી હતી અને બાદમાં દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું. જમીનનું પ્રિમિયમ રૃા.૧.૧૨ કરોડ સરકારી તિજોરીમાં ચૂકવ્યું હતું અને શરતફેર માટે કુલ રૃા.૧૭.૫૦ લાખનો ખર્ચ કર્યો હતો.
બાદમાં જમીન માલિકો પાસે દસ્તાવેજ કરવાનું કહેતા તેઓ તૈયાર થતા ન હતા અને જાણવા મળ્યું હતું કે જમીન માલિકોએ દરજીપુરામાં રહેતા લાલાભાઇ ભરવાડ અને સંજયભાઇ ભરવાડને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો છે. આમ કુલ રૃા.૧.૪૦ કરોડની ઠગાઇ અંગેની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.