Ahmedabad Liquor Crime : એસ.પી રીંગ રોડ પર દાસ્તાન ફાર્મ નજીક પીસીબીએ રાજસ્થાનથી આવેલા કન્ટેનરને રોકીને તેમાંથી રૂપિયા 43 લાખની કિંમતની 18,500 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉદેપુરના બુટલેગરે દારૂનો જથ્થો મોકલ્યો હતો : અસલાલીના પાર્કિગમાંથી ટ્રક પહોંચતી કરવાની સુચના અપાઇ હતી
પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે દાસ્તાન ચાર રસ્તા સરદાર પટેલ રીંગ રોડ પર દારૂનો મોટો જથ્થો એક કન્ટેનરમાં મોકલવામાં આવી રહ્યો છે. જેના આધારે શુક્રવારે મોડી રાત્રે વોચ ગોઠવીને એક કન્ટેનરને રોકીને તેમાં તપાસ કરતા 597 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં કુલ 18,500 જેટલી વિદેશી બોટલ દારૂ હતો. આ અંગે પોલીસે ડ્રાઇવર અણદારામ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઉદેપુરમાં રહેતા રણદીપ નામના બુટલેગરે દારૂ ભરેલું કન્ટેનર જયપુરથી તેને અન્ય ડ્રાઇવર પાસેથી અપાવ્યું હતું. જેને અસલાલી પહોંચતુ કરવાનું હતું.
આ અંગે પીસીબીના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું કે ડ્રાઇવરને અસલાલીમાં ટ્રક પાર્કિગમાં પહોંચીને એક વ્યક્તિને કન્ટેનર આપવાની સુચના અપાઇ હતી. જે કન્ટેનરને ખાલી કરીને પરત કરવાનો હતો. આ અંગે મોબાઇલ ફોન લોકેશન અને અન્ય બાતમીને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.