ગાંધીનગર -સરખેજ હાઈવે ઉપર તારાપુરથી વૈષ્ણોદેવી તરફ
પોલીસે પીછો કર્યો ત્યારે પૂરઝડપે આવતા કાર ચાલકને નર્મદા કેનાલના કટ પાસેથી બેરીકેટીંગ કરી પકડયો
ગાંધીનગર : હાલમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી રહી છે ત્યારે
ગઈકાલે બપોરે તારાપુરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રોંગ સાઈડમાં કાર દોડાવતા પીધેલા
ડ્રાઈવરે પોલીસને દોડાવી હતી. આખરે અઢી કલાકની મહેનત બાદ અડાલજ નર્મદા કેનાલના કટ
પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જ નહીં પરંતુ મોટા શહેરોમાં હાલ ડ્રિંક એન્ડ
ડ્રાઇવની ઘટનાઓ સતત વધી રહી છે અને તેના કારણે અકસ્માતના બનાવો પણ વધ્યા છે. આ
સ્થિતિમાં પોલીસ દ્વારા આવા નબીરાઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી
છે ત્યારે ગઈકાલે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીનગર સરખેજ
હાઇવે ઉપર રોંગ સાઈડમાં એક શખ્સ આડી અવડી ગાડી ચલાવીને તારાપુરથી અડાલજ અને
વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા જણાયો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે
હાથમાં આવ્યો નહોતો દરમિયાન તેની શોધખોળ ચાલુ જ રાખવામાં આવી હતી.
અઢી કલાક બાદ પોલીસ ટીમ દ્વારા તેને વૈષ્ણોદેવી સર્કલથી
ગાંધીનગર તરફ પૂર ઝડપે આવતા જોઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અડાલજ નર્મદા
કેનાલના કટ પાસે બેરીકેટીંગ કરીને આ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. જે નશાની હાલતમાં હોવાનું પોલીસને જણાયું હતું અને
જેના પગલે આ કારચાલક વિરેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ રહે પેથાપુરની અટકાયત કરીને
તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાનું પોલીસની
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આમ પોલીસની સમયસૂચકતાને કારણે ડ્રીંક એન્ડ
ડ્રાઇવ બાદ અકસ્માતની એક મોટી ઘટના બનતા અટકી ગઈ હતી.