આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ
ઊંચા પર્વતોથી લઈને સમુદ્ર તટ સુધી આકસ્મિક પૂરની સંભાવના ધરાવતા પ્રદેશોની સંખ્યા વધી
નવી દિલ્હી: એનપીજે નેચરલ હેઝાર્ડ્સમાં પ્રકાશિત આઈઆઈટી ગાંધીનગર દ્વારા તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં ભારતભરમાં અચાનક પૂરના વધતા જોખમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં આવી આપત્તિને કુદરતી અને વિશિષ્ટ ભૂસ્તરીય રચના તેમજ આબોહવા પરિવર્તનની તીવ્રતા સાથે સાંકળવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગમાંથી તાપમાનના રેકોર્ડ અને ઈમરજન્સી ઈવેન્ટ્સ ડાટાબેસ સહિત ૧૯૮૧થી ૨૦૨૦ સુધીના ડાટાનો ઉપયોગ કરીને સંશોધકોએ સમગ્ર દેશમાં અચાનક પૂરના સંભવિત સ્થળોની ઓળખ કરી છે.
અભ્યાસમાં જણાવાયું છે કે ત્રણ-ચતુર્થાંશ આકસ્મિક પૂરની સ્થિતિ લાંબા સમયથી થતા વરસાદના પરિણામે ભારે વરસાદ અને પહેલેથી ભેજવાળી જમીનના સંયોજન ઉત્પન્ન થાય છે. બાકીની એક ચતુર્થાંશ આકસ્મિક પૂરની ઘટનાઓ માત્ર ભારે વરસાદને કારણે થાય છે.
મોટાભાગની ઘટનાઓ ઝડપથી વરસાદ શરૂ થવાના છ કલાકમાં બને છે જેના કારણે તે સ્થાનિક અને આકસ્મિક રહે છે.
આકસ્મિક પૂર હોવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં હિમાલય, પશ્ચિમી તટ અને મધ્ય ભારત સામેલ છે. હિમાલયમાં તીવ્ર ઢાળ અને ઢીલી માટી જેવા ભૂસ્તરીય પરિબળો સંવેદનશીલતામાં વધારો કરે છે જ્યારે પશ્ચિમી તટ અને મધ્ય ભારતમાં જળશાસ્ત્રીય સ્થિતિઓ અથવા પાણીનો પ્રવાહ કેટલી ઝડપથી વહે છે તેની અસર વધુ થાય છે.
એક ચિંતાજનક બાબત છે નવા સંવેદનશીલ વિસ્તારોનો ઉમેરો જેમાં અગાઉ આકસ્મિક પૂર નહોતા આવતા. અભ્યાસમાં જાણ થઈ છે કે ઉષ્ણ વાતાવરણને કારણે નવા નદી તટપ્રદેશોમાં ભારે વરસાદની ઘટનાની સંખ્યા વધી રહી છે જેના પરિણામે હાલ ઓછું જોખમ ધરાવતા ક્ષેત્રોમાં ભાવિમાં આપત્તિની સંભાવના વધી ગઈ છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં તાજેતરમાં વાસ્તવિક અસર જોવા મળી હતી, જ્યાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, જેમાં અનેક લોકોના મોત થયા હતા અને ડઝનબંધ ઊંચાઈવાળા ગામડાઓને અસર થઈ હતી. આ ઘટના સંવેદનશીલ પ્રદેશોમાં વધુ સારી તૈયારી અને આબોહવા પરિવર્તન સામે અડગ રહી શકે તેવી માળખાગત સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.