વડોદરાઃ બરોડા ડેરીની ડિસેમ્બર મહિનામાં આવી રહેલી ચૂંટણી સાથે જ મોરચા અને રજૂઆતોનો દોર શરૃ થઇ ગયો છે.આજે સંખેડાના પૂર્વ ચેરમેનની આગેવાની હેઠળ કેટલાક પશુપાલકોએ મોરચો લાવી બોડેલી ખાતે રાખેલી એજીએમ નો વિરોધ કર્યો હતો.
પૂર્વ ચેરમેન અને અન્ય દૂધ ઉત્પાદકોના હિતરક્ષકોએ મોરચો લાવી કહ્યું હતું કે,બરોડા ડેરીની આગામી તા.૪થીએ બોડેલી ખાતે રાખેલી એજીએમનું સ્થળ બદલીને વડોદરા રાખો.દૂધ ઉત્પાદકો આવી ના શકે તે માટે સ્થળ બદલવામાં આવ્યું છે.આવી જ રીતે તેમણે ડેરીની એજીએમમાં દૂધ મંડળીઓની કારોબારી સમિતિના સભ્યોને હાજર રાખવાની અને દૂધ ઉત્પાદકો માટે ખાસ સભાની માંગણી સહિતના મુદ્દા રજૂ કર્યા હતા.
ડેરીના ઉપપ્રમુખે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ૩ લાખ લીટરની કેપિસિટી વાળો પ્લાન્ટ બોડેલીમાં ખુલ્લો મુક્યો છે.૧૨૦૦ દૂધ મંડળીઓમાં છોટાઉદેપુર જિલ્લાની ૫૦ ટકા મંડળીઓ દૂધ ભરે છે.જેથી તેમની માંગણી મુજબ એજીએમ બોડેલીમાં રાખી છે.ડેરીના સૂત્રોએ કહ્યું છે કે,આ પ્રકારની કુલ ૧૫૩ દૂધ મંડળીઓની માંગણી છે.જેમાં ૧૦૨ મંડળી સાવલી અને ડેસરની છે.જ્યારે ડભોઇની ૨૪,કરજણની ૧૪ અને વાઘોડિયાની ૧૩ મંડળીનો સમાવેશ થાય છે.ડેરીને ટાર્ગેટ કરતા ધારાસભ્યના ઇશારે મોરચો આવ્યો હોવાનું અને રજૂઆતો થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.