વડોદરાથી ઝડપાયેલો હિતેશ યાજ્ઞિાક ત્રણ દિવસના રિમાન્ડ પર : પોલીસથી બચવા આરોપી હનુમાનજીના મંદિરમાં સેવાપૂજા કરતો હતો : પોલીસનો ડર ઓછો થતા વડોદરા આવી ગયો હતો
વડોદરા/ જામનગર : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વ્યક્તિ સાથે રૂા. 90 લાખની છેતરપિંડી કરી ફરાર થઇ ગયેલો શખ્સ ગઇકાલે વડોદરાના વિજયનગરમાંથી ઝડપાયેા બાદ આજે અમદાવાદવની સેટેલાઇટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અમદાવાદ ખાતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન હકુમતના વિસ્તારમાં રહેતા જીજ્ઞોશભાઇ મોહરોવાલાએ આરોપી હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમપ્રસાદ યાજ્ઞિક રૂા. 90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોઇ તેમણે આરોપી હિતેશ યાજ્ઞિાકને તેના જન્માક્ષર બતાવ્યા હતા. આરોપીએ જન્માક્ષર જોઇને તમારી તકલીફના નિવારણ માટે મંત્ર જાપ કરવા પડશે અને કેટલીક વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું ફરિયાદી પાસેથી રૂા. 90 લાખ મેળવી છેતરપિંડી કરી હતી.
અમદાવાદમાં લાખોની છેતરપિંડી કરનારા આરોપી હિતેશને બાતમીના આધારે પોલીસે ગઇકાલે વડોદરાથી ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી રૂા. 90 લાખ રિકવર કરવાના છે. બનાવમાં અન્ય કેટલા શખ્સ સંડોવાયેલા છે અને બીજા કોઇ શખ્સો સાથે આરોપીએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના તા. 18મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઠગાઇ કર્યા બાદ તે જામનગર જતો રહ્યો હતો અને ત્યાં તે હનુમાનજીના મંદિરમાં સેવાપુજા કરતો હતો અને કર્મકાંડ કરતો હતો. દરમિયાનમાં બે વર્ષ વીતી જતા પોલીસનો ડર ઓછો છતાં વડોદરામાં તે સુરક્ષિત રીતે રહી શકશે તેમ જણાતા તે વડોદરા આવ્યો હતો અને વિજયનગરમાં રહીને કર્મકાંડ કરતો હતો. જો કે, આરોપીની છેતરપિંડીના ગુનામાં અમદાવાદ પોલીસે ધરપકડ કરતા વિજયનગરના રહીશોમાં પણ આરોપી હિતેશે વડોદરામાં પણ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું અને દાગીના લઇ લીધી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.