India vs USA Trade Deal Talk : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે છેલ્લા ઘણા દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભારતને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી કોઈ રાહત મળે તેવું લાગતું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ભારતને મોટો ઝટકો લાગ્યો જ્યારે અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો મુલતવી રાખી. જોકે કયા કારણોસર દિલ્હીનો પ્રવાસ ટાળવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી.
5 રાઉન્ડની બેઠક તો થઇ ચૂકી છે
આ બેઠક 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં યોજાવાની હતી. એક અમેરિકન અધિકારીએ માહિતી આપી હતી કે આ મુલાકાત કદાચ પછીથી યોજવામાં આવશે. અત્યાર સુધી ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અંગે પાંચ રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ થઈ છે. છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો યોજાવાની હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે.
ભારતને મોટો ઝટકો
આ બેઠક મુલતવી રાખવી એ ભારત માટે મોટો ઝટકો છે. કારણ કે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ વધારાનો 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.
કૃષિ અને ડેરી ક્ષેત્ર પર દબાણ
અમેરિકા ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં વધુ વ્યવસાય કરવા માંગે છે. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને જો આવી સ્થિતિમાં અમેરિકન બજાર ભારતના કૃષિ બજારમાં પ્રવેશ કરશે તો તેનાથી ભારે આર્થિક નુકસાન થશે.