Vadodara Fire: વડોદરાના સાવલી ખાતે આવેલ જીઆઇડીસીની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં વહેલી ચાર ફાયર સ્ટેશનની ટીમોએ અંદાજે 25 ટેન્કર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કંપનીમાં આગના કારણે લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો
શું હતી ઘટના?
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલીન્દ્રા ખાતે આવેલી જીઆઇડીસી પ્લોટ નંબર 29, 30, 31માં આવેલી ટોરસીડ ઇન્ડિયા પ્રા.લિ. કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. સવારે 5.30 વાગ્યાની આસપાસ સંદેશો મળતા નંદેશરી, મંજુસર જીઆઇડીસી તેમજ વડોદરાથી ઇઆરસી અને ટીપી 13 ના ફાયર સ્ટેશનોની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર લાશ્કરોએ સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર મોડી રાત્રે લાગી આગ, વન્ય જીવોને લઈ વન વિભાગની વધી ચિંતા
ભારે નુકસાનની આશંકા
હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે 25 ટેન્કર પાણીનો ઉપયોગ થયો છે. આ કંપનીમાં સિરામિક રો મટીરીયલનું ઉત્પાદન થાય છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને માલિકના આવ્યા બાદ ચોક્કસ નુકસાન અંગેની માહિતી જાણવા મળશે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.