વડોદરા,સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ રાતે નોકરીમાં મળેલા પ્રમોશનની ઉજવણી માટે સ્ટાફ સાથે દારૃની મહેફિલ યોજી હતી. પોલીસે બે મહિલા સહિત કુલ આઠ નશેબાજોને ઝડપી પાડયા હતા.
સયાજીગંજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે,અલકાપુરી એમ.કે. સ્કૂલની સામે સાર્થક એપાર્ટમેન્ટના ચોથા માળે ૨૦ થી ૨૫ લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને ચોથા માળે જઇ ડોર બેલ વગાડતા એક વ્યક્તિએ આવીને દરવાજો ખોલ્યો હતો. પોલીસે ઘરમાં અંદર જઇને તપાસ કરતા બે મહિલાઓ સહિત આઠ લોકો સોફા પર બેસીને દારૃની પાર્ટી કરતા હતા. પોલીસની એન્ટ્રી પડતા દારૃ પીતા લોકોનો નશો ઉતરી ગયો હતો. ઘરમાં રહેતા અભિષેક મેગોટીયા સહિત આઠ સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને સ્થળ પરથી દારૃની અડધી બોટલ તથા બે ખાલી બોટલ મળી આવી હતી.
પોલીસે ૬૦૦ એમ.એલ. ભરેલી દારૃની બોટલ, ૧૦ મોબાઇલ ફોન સહિત ૨.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દારૃની પાર્ટીમાંથી પકડાયેલી બે મહિલાઓના મેડિકલ ટેસ્ટ કરાવી નોટિસ આપી જવા દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ જંબુસરની પી.જી.આઇ. નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે. અભિષેકને એચ.આર.હેડ તરીકે પ્રમોશન મળતા તેણે પાર્ટી આપી હતી.
દારૃની મહેફિલમાંથી પકડાયેલા આઠ આરોપીઓના નામ
(૧) અભિષેક વાસુદેવભાઇ મેગોટીયા (રહે. સાર્થક કોમ્પલેક્સ) (૨) વિનોદકુમાર હરીહરિભાઇ યાદવ (રહે. વિલે થર્ટી સિક્સ સોસાયટી, બિલ ગામ) (૩) પ્રશાંત સુયોગભાઇ જોશી (રહે. શ્યામ તુલસી સોસાયટી, દિવાળીપુરા) (૪) અંકિત સોમનાથભાઇ વીગ (રહે. ધ ફ્લોરેન્સ, વાસણા ભાયલી રોડ) (૫) મનોજ રામાભાઇ ત્રિવેદી (રહે. વેદા એપાર્ટમેન્ટ, છાણી કેનાલ રોડ) (૬) વિપુલ દામોદરભાઇ ચાવડા (રહે. નંદનવન સોસાયટી, સમા) (૭) શ્વેતા શિવાજીભાઇ ગોદાવલે (રહે. આદિત્ય લેન્ડ માર્ક, કેનાલ રોડ, ભાયલી) તથા (૮) દિવ્યા વિરલકુમાર ચૌહાણ (રહે.તીર્થ સોલેસ, સોમા તળાવ)