Vadodara Corporation Controversy : વડોદરા કોર્પોરેશનની એંક્રોચમેન્ટ રીમુવલ ઓફિસરના હોદ્દા માટેની ભરતી પ્રક્રિયામાં વીજ કંપનીના કર્મચારીની પસંદગી થતા અન્ય ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાના માપદંડનું ઉલ્લંઘન જણાવી ગેરરીતીના આક્ષેપ કર્યા છે.
વડોદરા કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા દરમ્યાન નિયમો નેવે મૂકી ઉમેદવારોની પસંદગી મામલે અનેકવાર વિવાદ સર્જાઇ ચુક્યો છે. કેટલાક અધિકારી અને કર્મચારીઓને નિયમ વિરુદ્ધ જઈ હોદ્દાઓ ફાળવી દેવાયા છે. તાજેતરમાં પણ પીએટુ કમિશનર અને આરોગ્ય વિભાગની ભરતીને લઈને ગેરેરીતિના આક્ષેપ થયા હતા. તેવામાં વધુ એક ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી છે. વર્ષ 2023 દરમિયાન કોર્પોરેશન એંક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર (ERO) ના હોદ્દા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ઉમેદવાર નિવૃત્ત આર્મી ઓફિસર, નિવૃત્ત પોલીસ અધિકારી, સાત વર્ષનો વહીવટી અનુભવ, 170 સે.મી. ઊંચાઈ, સિક્યુરિટી દબાણ અને ઢોર શાખાનો અનુભવ સહિતના માપદંડ હતા. આ હોદ્દા માટે વીજ કર્મી ચેતન શાહની પસંદગી થતાં વિવાદ સર્જાયો છે. ERO માટે વીજ કંપનીના કર્મચારીની પસંદગી થઈ છે. જેમાં ઊંચાઈ, સિક્યુરિટી, દબાણ અને ઢોર શાખાનો અનુભવ, પોલીસ તથા આર્મી અધિકારીના માપદંડનું ઉલ્લંઘન હોવા છતાં નિયમો નેવે મુકી પસંદગી કરાઈ હોવાનું જાણવા મળે છે.