– કેસની પતાવટ માટે 70 લાખની માંગણી મુદ્દે
– એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીના સંચાલક વિરૂદ્ધ દુષ્કર્મના આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી
આણંદ : વિદ્યાનગરની એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં યુવતીને સંચાલકે કેફી પીણું પીવડાવી દુર્ષકર્મ ગુજાર્યાના આક્ષેપ સાથે નવ મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. યુવતી અને તના પતિએ કેસની પતાવટ માટે રૂા. ૭૦ લાખની માંગણી કરાતા વિદ્યાનગર પોલીસે દંપતી સહિત ચાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગર પોલીસે રવિવારે દંપતીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
વિદ્યાનગરની એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીમાં કામ કરતી યુવતીએ નવેમ્બર-૨૦૨૪માં કન્સલ્ટન્સીના સંચાલક ભૌમિક મકવાણા દ્વારા તેણીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં યુવતીને ગર્ભ રહ્યો હતો અને તેણીએ એક મૃત બાળકને જન્મ આપ્યો હોવાની પણ વાતો વહેતી થઈ હતી.
જોકે સમગ્ર બનાવમાં દંપતી ઉપરાંત અન્ય મળતીયાઓ દ્વારા ભૌમિક તથા તેની પત્નીને ડરાવી ધમકાવી તેઓની પાસે કેસની પતાવાટ કરવા માટે રૂપિયા ૭૦ લાખની માંગણી કરી જાતિવાચક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. જેથી જે તે સમયે કેવલ લીમ્બાચીયા, તેજલબેન કોટડીયા, કેવલ જોશી અને ઇમરાન વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા ચારેયની ધરપકડ કરાઈ હતી. બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.
જો કે, આ કેસમાં અમન અને તેની પત્ની પોલીસ પકડથી દૂર રહ્યા હતા. જેમાં પોલીસે રવિવારે દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે અમન પટેલને આણંદની સબ જેલમાં જ્યારે તેની પત્નીને બીલોદરા જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.