અમદાવાદ : ભારતની નીટવેર રાજધાની તિરુપુર ટ્રમ્પના ટેરિફ ટેરિરિઝમને કારણે એક મોટા સંકટનો સામનો કરી રહી છે. અમેરિકા દ્વારા ૨૫ ટકા બાદ વધારાનો ૨૫ ટકા એટલેકે ૫૦ ટકા ટેરિફ લાદવાથી અહીંના નિકાસકારો માટે મોટો ફટકો પડી શકે છે. અંદાજ છે કે ટ્રમ્પના આ વધારાના ટેક્સથી લગભગ ૧.૫ લાખ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે અને લગભગ રૂ.૧૨,૦૦૦ કરોડની વાર્ષિક નિકાસને અસર થઈ શકે છે.
દેશના કુલ નીટવેર નિકાસના ૬૮ ટકા હિસ્સો એકલા તિરુપુરમાં જ ૨૦૨૫માં રૂ.૪૪,૭૪૭ કરોડનું નિકાસ ટર્નઓવર નોંધાયું હતુ. અહીં લગભગ ૧૦ લાખ લોકો રોજગારી મેળવે છે અને અમેરિકા તેનો સૌથી મોટો ખરીદદાર છે, જે કુલ નિકાસના ૪૦ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ ૨૭ ઓગસ્ટથી લાગુ થયેલી આ ડયુટી ઉદ્યોગ માટે એક મોટો પડકાર બની ગઈ છે.
તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના મતે ઓર્ડર સાયકલ લગભગ ૧૨૦ દિવસની છે અને પહેલાથી જ રૂ.૪૦૦૦ કરોડના ઓર્ડરને અસર થઈ છે. યુએસથી રૂ.૧૨,૦૦૦ કરોડના નિકાસ હવે પ્રત્યક્ષરૂપે જોખમમાં છે. પહેલાં જ ભારત વિયેતનામ અને બાંગ્લાદેશ કરતાં ૫-૬ ટકા વધુ મોંઘુ હતું, પરંતુ જૂના સંબંધો કામ કરતા હતા. હવે વધારાના ૨૫ ટકા ટેરિફથી આ મોડેલ અશક્ય બન્યું છે અને આ કારણે જ ભારતના આ નીટવેર ક્ષેત્રની નોકરીઓ અને વૈકલ્પિક બજારો માટે ખતરો ઉભો થયો છે.
તિરુપુરમાં લગભગ ૨૫૦૦ એક્સપોર્ટરો અને ૨૦,૦૦૦થી વધુ ફેક્ટરીઓ સક્રિય છે. વણાટ, રંગાઈ, પેકેજિંગ અને સીવણ સંબંધિત સમગ્ર ઇકોસિસ્ટમ હવે કટોકટીમાં મુકાઈ છે. જો ઓર્ડર બંધ થઈ જાય તો ૧ થી ૧.૫ લાખ લોકો બેરોજગાર થઈ શકે છે.
સામે પક્ષે નિકાસકારો હવે બ્રિટન, યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેેલિયા જેવા બજારો તરફ જોઈ રહ્યા છે. તાજેતરના યુકે એફટીએ અને પ્રસ્તાવિત ઇયુ એફટીએથી કેટલીક આશાઓ છે, પરંતુ નિષ્ણાતો માને છે કે આ બજારો અમેરિકાના વપરાશ સાથે મેળ ખાઈ શકતા નથી.નિકાસકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી રાહત પેકેજની માંગ કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પહેલાથી જ કેન્દ્રને પત્ર લખીને બ્રાઝિલની જેમ સહાયનું સૂચન કર્યું છે. ઉદ્યોગે બે વર્ષની લોન મોરેટોરિયમ, ક્રેડિટ મર્યાદામાં ૨૦-૩૦ ટકા વધારો અને ફેક્ટરીઓ ચલાવવા માટે સબસિડીની માંગ કરી છે.