– હિન્દુ સંગઠનોને ઔરંગઝેબની કબર મુદ્દે બિનજરૂરી વિવાદ નહીં કરવા સંઘની સલાહ
– મોઘલ શાસકનું મોત અહીં થયું હોવાથી કબર બની છે, જેમની આસ્થા હોય તે ભલે જાય, શિવાજીએ અફઝલ ખાંની કબર બનાવડાવી હતી ઃ આરએસએસ નેતા
– ઔરંગઝેબની કબર સંરક્ષિત, પરંતું મહિમા વધારવાની મંજૂરી નહિ અપાય : ફડણવીસ
નાગપુર: મોગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની કેટલાક સંગઠનોની માંગણી વચ્ચે વરિષ્ઠ આરએસએસ નેતા ભૈયાજી જોશીએ સોમવારે જણાવ્યું કે આ વિષયને અનાવશ્યક રીતે ઉઠાવાયો છે. આરએસએસના નેતાએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું કે ઔરંગઝેબનું અહીં મોત થયું હતું તેથી તેમની કબર અહીં છે. જેમની શ્રદ્ધા છે તેઓ કબર પર જશે. તેમણે જણાવ્યું કે પ્રતાપગઢમાં અફઝલ ખાનની કબર પણ છત્રપતિ શિવાજી મહારાજની અનુમતિથી જ બની હતી. તે આપણી ઉદારતાનું પ્રતીક છે.
આરએસએસ નેતા ભૈયાજી જોશીએ નાગપુરમાં જણાવ્યું કે બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનને પ્રતાપગઢ કિલ્લા પાસે દફનાવાયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની અનુમતિ સિવાય આવું શક્ય નહોતું. રાજ ઠાકરેએ ગુડી પડવાના દિવસે કરેલી ટિપ્પણીઓ વિશે જોશીએ જણાવ્યું કે ઔરંગઝેબની કબરનો મુદ્દો અનાવશ્યક છે. તેમનું મૃત્યુ ભારતમાં જ થયું હોવાથી અહીં જ તેમની કબર છે. જેમની તેના પર આસ્થા છે તેઓ ભલે જાય.આરએસએસના મહાસચિવ રહી ચુકેલા ભૈયાજીએ સ્પષ્ટતા કરી કે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનું રોલ મોડલ છે. તેમણે અફઝલ ખાનની કબર બનાવી હતી. આ ભારતની ઉદારતા અને સમાવેશિતાનું પ્રતીક છે. કબર ભલે રહી, જેમને જવું હોય તે જાય. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મુંબઈમાં ગુડી પડવા રેલીમાં ભ્રામક ઐતિહાસીક નેરેટિવ અને વોટ્સએપ મેસેજો પર મદાર રાખવા સામે ચેતવણી આપી હતી અને સોશિયલ મીડિયા સ્થાને વિશ્વસનીય સ્રોતોમાંથી ઈતિહાસની જાણકારી મેળવવાની ભલામણ કરી હતી. તેમણે ઔરંગઝેબની કબરના વિવાદને રાજનૈતિક તુક્કો જણાવતા કહ્યું કે લોકો અસલી મુદ્દા પ્રત્યેથી ભટકી રહ્યા છે. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ઔરંગઝેબે શિવાજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો પણ અસફળ રહ્યો. ઠાકરેએ વિભાજનકારી રાજનીતિની આલોચના કરતા જણાવ્યું હતું કે લોકો વૃક્ષ પાણીની સમસ્યા છોડીને કબરોની ચિંતામાં લાગ્યા છે. લોકોને મોગલ સમ્રાટ ઔરંગઝેબ ગમે કે ન ગમે તેમનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે. પરંતુ તેમનો મહિમાં વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં, એમ સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
હકીકતમાં કેન્દ્રના પુરાત્વ ખાતા દ્વારા સરક્ષણ આપવામાં આવ્યું છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં ફડણવીસે કહ્યું કે કાયદાના કાર્યક્ષેત્રની બહાર બાંધકામોને હટાવવા પડશે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદ શહેરમાં ૧૭મી સદીના મોગલ શાસક કબરને દૂર કરવાની માંગણી (શિંદે) શિવસેના સહિત જમણેરી સંગઠનો કરી રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કબર દૂર ક રવા માટે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પવિત્ર શિલા લેખો સાથેનો ચાદર બાળવામાં આવ્યો હોવાની અફવાઓ એ આ મહિનામાં નાગપુરમાં હિંસા ભભૂકી ઉઠી હતી.
ફડણવીસે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ની ટીકા કરતાં એક લેખમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ટિપ્પણીને ફગાવી દીધી હતી. અને દાર્વો કર્યો હતો કે કેન્દ્ર તેનો ઉપયોગ શિક્ષણને સાંપ્રદાયિક બનાવવા માટે કરી રહ્યું છે.