– કપડવંજથી નડિયાદ તરફ બસ જઈ રહી હતી
– થાર ગાડીના મૃતક ચાલકને પતરું કાપીને બહાર કઢાયોઃ બસમાં સવાર 10 વ્યક્તિને સામાન્ય ઈજા
કપડવંજ : કપડવંજથી નડિયાદ જતી એસટી બસ અને થાર ગાડી વચ્ચે અકસ્માતમાં થાર ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. થાર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી ગાંધીનગર જિલ્લાના થાર ગાડીના ચાલકને પતરું કાપીને બહાર કાઢવામાં આળ્યો હતો. સદનસીબે બસમાં સવાર તમામને સામાન્ય ઈજાઓ થતા વધુ જાન હાની થતા અટકી હતી.
કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોરે ૩ઃ૩૦થી ૪ કલાક દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર ગાડી અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર ગાડીના ચાલક કૃણાલ જયંતીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે થાર ગાડીનું પતરું ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો. મૃતદેહને પીએમ અર્થે કપડવંજ સીએચસીમાં પીએમ માટે મોકલી અપાયો હતો. મૃતક કૃણાલ (ઉં.વ.૨૬) મૂળ સીલજ- ગાંધીનગર જિલ્લાનો વતની હતો. નજીકના ગામ આંત્રોલીના કાળભાઈ મંગળભાઈની દીકરી કિંજલબેન સાથે બે વર્ષ અગાઉ જ કૃણાલના લગ્ન થયા હતા. કૃણાલને સંતાનમાં એક પુત્ર પણ હતો.
કપડવંજથી નડિયાદ જતી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરતા ૧૦ જેટલા મુસાફરોને સદનસીબે સામાન્ય નાની- મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે કપડવંજ સીએચસી સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા આતરસુબા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
એસટી બસના ઈજાગ્રસ્તોની યાદી
૧. ડ્રાઇવર મહેન્દ્રભાઈ જયેશભાઈ ચૌહાણ , ૨. કંડક્ટર ભૂમિકાબેન જયેશભાઈ પ્રજાપતિ , ૩. રુક્મિયા ગુલામીયા (મહુધા), ૪. હેમંતકુમાર વિષ્ણુભાઈ ગોહિલ (રૂપપુરા), ૫. કિશનભાઇ કનૈયાલાલ વસાવા (નડિયાદ), ૬. સમૂબેન કમુભાઇ રાવળ (આતરસુબા), ૭. કનુભાઈ પુનમભાઈ રાવળ (આતરસુબા), ૮. વિનોદાબેન ઘનશ્યામભાઈ પરમાર (મહુધા), ૯. હીનાબેન ચતુરભાઈ સલાટ (કપડવંજ)