સુરત શહેરમાં ગણપતિ ઉત્સવનો માહોલ જામ્યો છે અને મોટા ભાગના ગણેશ મંડપમાં એક દિવસ છપ્પન ભોગ ધરાવતા હોય છે. જેના કારણે સુરતના મીઠાઈ બજારમાં છપ્પન ભોગનું ચલણ વધ્યું છે. છપ્પન ભોગની ડિમાન્ડ વધુ હોવાથી વેપારીઓ કંઈક નવું કરતા રહે છે જેમાં આ વર્ષે સુરતના એક મીઠાઈના વેપારીએ છપ્પન ભોગ એવો બનાવ્યો છે કે પહેલા બાપ્પાને ભોગ ધરાવવામાં આવે અને પ્રસાદી આપી દીધા પછી જે થાળી છે તેનો ઉપયોગ 56 દીવાની આરતી તરીકે પણ થઈ શકે છે.
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને હવે માહોલ જામ્યો છે ગણેશ મંડપમાં બાપાની ભક્તિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ થઈ રહ્યા છે. અને પ્રસાદીમાં સામાન્ય રીતે મોદક, સાકરીયા દાણા, ચોકલેટ કે અન્ય વસ્તુઓ હોય છે. જોકે, નાના મોટા દરેક ગણેશ મંડપમાં એક દિવસ છપ્પન ભોગ નો કાર્યક્રમ રાખવામા આવે છે. જેમાં મોટાભાગે છપ્પન મીઠાઈ અને ફરસાણ સાથે કોલ્ડ્રીક્સ અને વિવિધ વાનગીઓ જોવા મળે છે. પરંતુ અનેક ગણેશ આયોજકો 56 ભોગ માં 56 જાતની જુદી જુદી મીઠાઈ રાખતા હોય છે તેના કારણે આ દિવસોમાં મીઠાઈની દુકાન વાળા ને તડાકો થઈ જાય છે.
ભાગળ પર મીઠાઈની દુકાન ધરાવતા વિશાલ હલવા વાળા કહે છે, હવે અનેક ગણેશ આયોજકો પ્યોર મીઠાઈ હોય તેવા છપ્પન ભોગનો આગ્રહ રાખે છે. જેના કારણે અમે અસલ સુરતી મીઠાઈ ના છપ્પન ભોગ બનાવ્યો છે. આ છપ્પન ભોગ ત્રણ પ્રકારના બનાવ્યા છે જેમાં બે થાળ બોક્સમાં આપવામાં આવે છે. જ્યારે એક થાળ સ્ટીલની થાળી માં બનાવ્યો છે. જેમાં થાળી સાથે વાડકીઓ છે અને 56 વાડકીમાં જુદી જુદી છપ્પન મીઠાઈ મુકવામાં આવી છે. આ થાળી ની ખાસીયત એવી છે કે થાળ ધરાવી પ્રસાદ વહેતી દીધા બાદ આ થાળી નો ઉપયોગ 56 દીવાની આરતી તરીકે પણ થઈ શકે છે.
આ થાળમાં અસલ સુરતી પંડા, ઘેવર, જાત જાત ની બરફી, મોદક, અનેક જાતના લાડુ, માવા મીઠાઈ ઉપરાંત કાજુ મીઠાઈ અને મીઠા ખાજા જેવી 56 વાનગી મુકવા આવે છે . મીઠાઈની દુકાન ધરાવતા રાજેશભાઈ કહે છે, અમારે ત્યાં વિવિધ ફ્લેવર્ડ મોદક બનાવવમાં આવે છે અને છપ્પન ભોગમાં અન્ય મીઠાઈ કરતા આ મોદક ની સંખ્યા વધુ હોય છે. આ ઉપરાંત 50 ગ્રામ થી માંડીને પાંચ કિલો સુધીનો મોદક પણ બનાવવામા આવી રહ્યો છે.
મોટા ભાગની સોસાયટીઓ સામુહિક રીતે 56 ભોગ ધરાવે છે અને સોસાયટીના લોકો જાત જાતની વાનગી અને મીઠાઈ 56 ભોગમાં ધરાવે છે. પરંતુ નાના મંડળ કે ઘરે જે લોકો ગણેશજીની સ્થાપના કરે છે તેમના માટે મીઠાઈની દુકાનોમાં રેડીમેઈડ 56 ભોગ ખાસ બનાવવામાં આવે છે અને તે બાપાને ધરાવવામાં આવે છે. આમ સુરતની મીઠાઈની દુકાનોમાં હાલ ગણેશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડ મોદક અને રેડીમેઈડ 56 ભોગ નું વેચાણ જોવા મળી રહ્યું છે.