જામનગરમાં આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં શાળા – કોલેજના 430 કેડેટ્સ જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના નેજા હેઠળ ૮ ગુજરાત નેવલ એનસીસી યુનિટ દ્વારા વિવિધ આયામોમાં કપરી તાલીમ મેળવી રહ્યા છે. તા. 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધીનો આ દસ દિવસીય તાલીમ કેમ્પ આયોજિત છે.
આ કેમ્પ અંતર્ગત 0.22 રાઇફલથી ફાયરિંગ, એક જહાજમાંથી બીજા જહાજ પર ફ્લેગ વડે અપાતા નેવિગેશન/સંદેશા કે જે “સીમાફોર” તરીકે ઓળખાય છે તેની તાલીમ, બોટના વિવિધ પ્રકાર તથા બોટ ચલાવવાની કામગીરી અંગેની વોટરમેનશિપ તાલીમ, સશસ્ત્ર પરેડની તાલીમ, સ્વાસ્થ્ય અને આહાર, નેતૃત્વશક્તિ, કુદરતી આપદા સમયે બચાવ કામગીરીની તાલીમ વગેરે અભ્યાસક્રમના પાઠો પણ શીખ્યા હતા.
આ ઉપરાંત આર્મી યુનિટની મુલાકાતમાં કેડેટ્સએ વિવિધ મહત્વની જગ્યાઓ નિહાળી હતી. આધુનિક શસ્ત્રોની સમજણ મેળવી હતી અને સશસ્ત્ર દળોના શોર્ય, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના ગુણોને જીવનમાં ઉતાર્યા હતા. શહીદ વીર સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નાયરા રિફાઇનરી ની મુલાકાતમાં મોટી ઔદ્યોગિક વસાહતોની કામગીરી અને સલામતી વ્યવસ્થાના વિવિધ પાસા સમજ્યા હતા. કાર્યસ્થળ પર સતર્કતા અને શિસ્તના સમન્વયના પાઠો શીખ્યા હતા.
રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે કેડેટસે વિવિધ રમતોમાં ભાગ લઈ જીવનમાં ખેલદિલી, ચપળતા , હકારાત્મકતા, વ્યૂહાત્મક રચના અને ટીમવર્કથી કામગીરીનું કિમતી જ્ઞાન મેળવ્યું હતું.