– કંજરી ચોકડીએ બાઈકની ટક્કરે રાહદારી ઈજાગ્રસ્ત
– અજાણ્યા વાહનોની બે બાઈકને ટક્કરઃ મહીજ સીમમાં આધેડ અને ખાંધલી રેલવે બ્રિજ નીચે ભત્રીજાના મૃત્યુ
નડિયાદ : ખેડા જિલ્લામાં મહીજ સીમમાં તેમજ ખાંધલી રેલવે બ્રિજ નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બાળક સહિત બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે કંજરી ચોકડી બ્રિજ નીચે બાઈક ચાલકે ટક્કર મારતા રાહદારીને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ- નારોલના હેમેન્દ્ર સવજીભાઈ વ્યાસ તા.૩૧મીના રોજ મોટરસાયકલ લઈ બારેજાથી બારેજડી જતા હતા. ત્યારે મહીજ સીમ નજીક કોઈ વાહન ચાલક મોટરસાયકલને ટક્કર મારી નાસી ગયો હતો.
અકસ્માતમાં હેમેન્દ્ર સવજીભાઈ વ્યાસ (ઉં.વ.૪૫)ને ગંભીર ઈજા થતા ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત્યુ થયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ભદ્રેશ સવજીભાઈ વ્યાસની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજા બનાવમાં વસો તાલુકાના સિહોલડીનો કલ્પેશભાઈ દિનેશભાઈ મકવાણા અને કાકાનો દીકરો મીત બાઈક પર પરીએજ ગામે ધરો આઠમના મેળામાંથી સાંજે પરત આવી રહ્યા હતા. દરમિયાન ખાધલી અલિન્દ્રા રોડ ઉપર રેલવે બ્રિજ નજીક સફેદ ગાડીના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલક કલ્પેશભાઈ તેમજ પાછળ બેઠેલા મીતને શરીરે ગંભીર ઈજા થઈ હતી.
બંનેને સારવાર માટે વસો સીએચસીમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે મીત બકુલભાઈ મકવાણા (ઉં.વ.૧૦)ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે બકુલ વિઠ્ઠલભાઈ મકવાણાની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો દાખલ કર્યો છે. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં કંજરી ચોકડી બ્રિજ નીચે અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા રાહદારી કંજરીના લક્ષ્મીપુરાના નરેશભાઈ કનુભાઈ પરમાર (ઉં.વ.૪૫)ને સારવાર માટે ખસેડયા હતા. વડતાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.