Jamnagar Murder Case : જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને શનિવારે રાત્રે સમાધાન માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જુના મનદુઃખના કારણે તેની હત્યા નિપજાવી હતી, જે મામલામાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે હત્યા અંગેનો ગુનો નોંધી સૌ પ્રથમ પાંચ આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું, ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા. દરમિયાન ગઈકાલે એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જેથી આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 8નો થયો છે.
આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના 23 વર્ષના યુવાનનો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
જે મામલે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુઃખના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ બાદ સીટી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી સી.ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
જેમાં તેઓએ જૂની અદાવતનું મનદુઃખ રાખીને મૃતક યુવાનને પોતાના સાથે હીનાબેન મકવાણાને ઘેર લઈ ગયા હતા, અને ત્યાં લોખંડના પાઇપ-ધોકા જેવા હથિયારો વડે મૂઢ માર મારી અધમુવો કરી નાખ્યો હતો, ત્યારબાદ તેને લઈને દિગજામ ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં રેતીના ઢગલામાં ફેંકી દીધો હતો, જ્યાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ સીટી ડિવિઝન સી.ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ એક મહિલા સહિત વધુ 3 આરોપીઓને પકડ્યા છે.
જેથી આ પ્રકરણમાં કુલ આઠ આરોપીઓ જેમાં રાહુલ દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કરછી પાડો જામનગર, પ્રકાશ ઉર્ફે પકો નારણભાઈ પરમાર રહે ખેતીવાડી સીધ્ધાર્થ કોલોની શેરી નં-4 જામનગર, હીતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છી પાડો જામનગર, દિલીપ ઉર્ફે દીપો દિનેશભાઈ પરમાર રહે-ખેતીવાડી હીંગોરા ફેબ્રીકેશનની સામેની ગલીમાં જામનગર, મનોજ ઉર્ફે મનીયો દેવશીભાઈ મકવાણા રહે-અંધાશ્રમ પાછળ કચ્છી પાડી જામનગર, આશીષ ઉર્ફે આશીયો રાજુભાઈ વારસાખીયા રહે અંધાશ્રમ પાછળ હનુમાન ચોક જામનગર, દેપાળભાઈ સોમાભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર અને હીનાબેન દેપાળભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર વગેરે આઠ આરોપીઓની અટકાયત કરી લીધી છે, જેની પૂછપરછ ચલાવાઇ રહી છે.