સિવિલ હોસ્પિટલના અધિક્ષકના અભિપ્રાય બાદ પોલીસની કાર્યવાહી
૧૩ મહિના પહેલા પ્રસૂતાની ડિલિવરી સમયે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરાકરીથી બંનેના મોત થયા હતા
બગોદરા – બાવળામાં આવેલી સાઈ વુમન્સ હોસ્પિટલમાં ૧૩ મહિના પહેલા ડિલિવરી દરમિયાન બેદરકારીના કારણે માતા અને તેના નવજાત શિશુના મૃત્યુની ઘટના બની હતી. પોલીસ તપાસ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના અભિપ્રાય બાદ પ્રસૂતાનું મૃત્યુ ડોક્ટર અને સ્ટાફની ગુનાહિત બેદરકારીને કારણે થયું હોવાનું સામે આવતા પોલીસે હોસ્પિટલના ડાક્ટર, સ્ટાફ નર્સ અને અન્ય બે ડાક્ટરો સહિત પાંચ લોકો વિરૃદ્ધ ગુનો નોંધ્યો છે.
બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં તા. ૨૬-મે-૨૦૨૪ના રોજ સવારે ૯ વાગ્યાની આસપાસ મનીષાબેન મુકેશભાઈ સોલંકીને ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડો. જયેશકુમાર પટેલ હાજર ન હોવા છતાં, સ્ટાફ નર્સ સોનાલીબેન ચાવડા અને સોનિયાબેન ઉમરેએ ફોન પર તેમની સલાહ લઈને ડિલિવરી પ્રક્રિયા શરૃ કરી હતી.
શરૃઆતમાં, સ્ટાફે નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બપોરે ૨ વાગ્યે જણાવ્યું કે નોર્મલ ડિલિવરી શક્ય નથી, સિઝેરિયન કરવું પડશે. આ માટે બહારથી ડૉ. અકશભાઈ ઠક્કર (ગાયનેકોલોજિસ્ટ) અને ડો. તૃપેશભાઈ શાહ (એનેસ્થેટીસ્ટ)ને બોલાવવામાં આવ્યા હતા.
સિઝેરિયન બાદ બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. ત્યારબાદ મનીષાબેનની તબિયત વધુ બગડી હતી અને તેમને વધુ રક્તસ્ત્રાવ થયો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર કે જરૃરી લોહી ચઢાવ્યા વિના, તેમને સિવિલ હોસ્પિટલ, સોલા ખાતે રિફર કરવામાં આવ્યા. સાંજે ૬ વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચતા, તબીબોએ મનીષાબેનને મૃત જાહેર કર્યા હતા.
મૃતક મનીષાબેનના ભાઈ વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ મકવાણાએ આ ઘટના માટે હોસ્પિટલના સ્ટાફની બેદરકારી અને પૈસાની લાલચને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસને તપાસ કરવા માટે વિનંતી કરી હતી. પોલીસ તપાસ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના અભિપ્રાય બાદ મનીષાબહેનનું મૃત્યુ ડોક્ટર અને સ્ટાફની ગુનાહિત બેદરકારીને કારણે થયું છે.
તબીબી અધિક્ષકના આધારે, બાવળા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૪ અને ૧૧૪ હેઠળ ડો. જયેશકુમાર પટેલ, સ્ટાફ નર્સ સોનાલીબેન ચાવડા, સ્ટાફ નર્સ સોનિયાબેન ઉમરે, ડો. અકશભાઈ ઠક્કર અને ડો. તૃપેશભાઈ શાહ સામે ગુનો નોંધ્યો છે.