અમદાવાદ, રવિવાર
શહેરના ઓગણજમાં આવેલી જમીનના માલિકે જમીનનું વેચાણ કરતા તે જમીન પચાવી પાડવાના ઇરાદે એક ભૂમાફિયાએ વાંધાઅરજી દાખલ કરીને તેણે અગાઉ જમીન માલિક સાથે ખરીદીનો કરાર કર્યા અંગેનો દાવો કરીને બોગસ બાનાખત રજૂ કરીને છેતરપિંડી આચરી હતી. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જમીન હડપ કરવા માટે ફેસબુક પરથી જમીન માલિકના ફોટો ડાઉનલોડ કરીને તેમની ખોટી સહી કરીને બોગસ બાનાખત તૈયાર કર્યો હતો. જે અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના નરોડામાં આવેલી રમ્યકુંજ સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય મહેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૦૬માં નિતુલ ુપટેલ પાસેથી ઓગણજમાં જુની શરતની ખેતીની જમીનની ખરીદી કરી હતી. જે મહેન્દ્રભાઇ અને તેમના પત્નીના નામે હતી. થોડા વર્ષ બાદ મહેન્દ્રભાઇને આ જમીન વેચાણ કરવાની હોવાથી તેમણે રમેશભાઇ ભરવાડ સાથે સોદો નક્કી કર્યો હતો. જે અંગે ટાઇટલ સર્ટિફીકેટ મેળવીને ૧ જુલાઇ ૨૦૨૫ના રોજ દસ્તાવેજ કરીને કર્યો હતો. જે પેટે ૮૯ લાખ બેંક મારફતે મહેન્દ્રભાઇને ચુકવી દેવાયા હતા. ત્યારબાદ તે દિવસે જ રેવન્યુ રેકર્ડમાં કાચી નોંધ પણ કરવામાં આવી હતી.
થોડા દિવસ બાદ રમેશભાઇ ભરવાડે મહેન્દ્રભાઇને જણાવ્યું હતુ કે રમેશ વેરસી ભરવાડ નામના વ્યક્તિએ કાંચી નોંધ વિરૂદ્ધ વાંધા અરજી કરી છે. જેમાં તેણે મહેન્દ્રભાઇ અને તેમની પત્નીના નામનો નોટરાઇઝ્ડ બાનાખત રજૂ કર્યો હતો. જેથી મહેન્દ્રભાઇને આંચકો લાગ્યો હતો. ત્યારબાદ તેમણે બાનાખત તપાસ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ઘાટલોડિયા ચાણક્યપુરીમાં આવેલી સુરજનગર મહાશક્તિ સોસાયટીમાં રહેતા રમેશ વેરસી ભરવાડે આ બાનાખત લખાવેલુ હતું અને તેમાં ૩૬ લાખ રૂપિયાની ચુકવણી થયાનો ઉલ્લેખ હતો. તેમજ મહેન્દ્રભાઇ અને તેમના પત્નીના ફોટો ફેસબુકથી ડાઉનલોડ કરીને બાનાખતમાં લગાવીને બોગસ સહી કરી હતી. જેથી છેતરપિંડી થતા તેમણે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં ભૂમાફિયા રમેશ ભરવાડ, નોટરી આર કે રાઠોડ અન્ય બે સાક્ષીઓ સહિત અન્ય લોકોની સંડોવણી અંગે પણ પોલીસને વિગતો મળી છે.પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે રમેશ ભરવાડ જમીનના સોદાની વિગતો સરકારી કચેરીમાંથી મેળવીને તેના મળતિયાઓની મદદથી બોગસ બાનાખત તૈયાર કરાવીને જમીન હડપ કરવા કે સમાધાનના નામે નાણાં પડાવવા માટેનો કારસો રચતો હતો.