– મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
– જમીન પર કબ્જો કરનારા 3 સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો
ભાવનગર : મહુવા તાલુકાના કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કરનારા ત્રણ શખ્સો સામે મહુવા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા રાજેશકુમાર બિપિનચંદ્ર રાજ્યગુરૂએ મહુવા તાલુકાના કળસાર ગામની સીમમાં રેવન્યૂ સર્વે નં.૨૪૭/૪૪ની કુલ હે.આરે. ચો.મી.૧-૧૩-૩૨૩૨ની જમીન કળસાર ગામના કબાભાઈ ભગવાનભાઈ ભરવાડ પાસેથી વેચાણ દરસ્તાવેજથી વર્ષ-૨૦૧૨માં ખરીદી હતી. બાદમાં તેમણે આ જમીન ફારમે વાવવા માટે માંગી હતી અને કહેશો ત્યારે ખાલી કરી દઈશ તેમ જણાવ્યું હતું. બાદમાં આ જમીન માટે કબાભાઈએ વાંધા અરજી રજૂ કરતા, જેનો કેસ નામદાર સિવિલ કોર્ટ મહુવામાં ચાલ્યો હતો પરંતુ તેઓ પુરાવા રજૂ નહી કરતા કેસ ડિસમીસ થયો હતો અને બાદમાં જમીન વેચનાર કબાભાઈનું નિધન થયું હતું અને તેમના પુત્રો જમીન પર ખેતીકામ કરતા હતા અને અવાર-નવાર જણાવવા છતાં જમીન ખાલી નહી કરી ગેરકાયદે કબ્જો કર્યો હતો. જે બાબતે તેમણે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જેનો હુકમ આવતા આ મામલે મહુવા પોલીસ મથકમાં ગોપાલ કાબાભાઈ ભરવાડ, મકા કાબાભાઈ ભરવાડ અને ભગવાન કાબાભાઈ ભરવાડ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.