– 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કાર્યવાહી
– ગૌમાસના ગુનામાં આરોપી નહીં બતાવવા પીએસઆઈ પી.ડી. રાઠોડ વતી લાંચ લેતા વહીવટદાર પણ ઝડપાયો હતો
આણંદ : ગૌમાસના ગુનામાં આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારજનોનો વરઘોડો નહીં કાઢવા બાબતે રૂા. ૩ લાખની લાંચ માગનારા ખંભાતના પીએસઆઇના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ થતા ખંભાતની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
ગૌમાસના કેસમાં પકડાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરતા ખંભાતના લાલ દરવાજા વિસ્તારના એક યુવકનો નંબર મળ્યો હતો. હોટલ ચલાવતા યુવકને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારના સભ્યોને કનડગત નહીં કરવા માટે પીએસઆઇ પી.ડી. રાઠોડે પોતાના વહીવટદાર મોહમ્મદ ઇમરાન સોદાગર મારફતે લાંચની માંગણી કરી હતી.
આણંદ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ વતી લાંચ લેનારા મોહમ્મદ ઇમરાનને ઝડપી પાડયો હતો. જોકે પીએસઆઇ પી.ડી. રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધરપકડથી બચવા પીએસઆઇએ આગોતરા જામીન અરજી મૂકી હતી જે કોર્ટે ના મંજૂર કરતા પીએસઆઇ પી.ડી. રાઠોડ એસીબી પોલીસ મથકે હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે મંજૂર કરેલા ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે લાંચિયા પીએસઆઇને ખંભાતની સબજેલમાં મોકલી આપ્યો હતો.