– કાર ચાલક ઝડપાયો મૂખ્ય સૂત્રધાર ફરાર
– દારૂની 1,620 બોટલો, કાર સહિત રૂા. 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે વિરૂદ્ધ ગુનો
નડિયાદ : નડિયાદ- ડાકોર રોડ ઉપર ચકલાસી ભાગોળ પરથી રૂા. ૩.૪૮ લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલકને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો. ગાડી સહિત રૂા. ૮.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર ફરાર જાહેર કરાયો છે. પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટમાં હતી. દરમિયાન ડાકોરથી એક ગાડી વિદેશી દારૂ ભરી નડિયાદ તરફ આવી રહી હતી. જ્યાં પોલીસે ચકલાસી ભાગોળ રોડ પર વોચ ગોઠવી ગાડીને ઉભી રાખી ચાલકની પૂછપરછ કરતા સુમિત ગિરીશભાઈ પટેલ (રહે. વાસણા તાલુકો મહુધા) હોવાનું જણાવ્યું હતું. આ ગાડીની પાછળની સીટ ઉપર તેમજ ડેકીની તલાસી લેતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલ નંગ ૧,૬૨૦ કિંમત રૂ.૩,૪૭,૫૨૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ડ્રાઇવરનો મોબાઇલ કિંમત રૂ.૫,૦૦૦ તેમજ રૂ.૫ લાખની ગાડી મળી કુલ રૂ.૮,૫૨,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર રાજુ નવલસિંહ સોલંકી (રહે. ડાકોર ) મળી આવેલો નથી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સુમિત ગિરીશભાઈ પટેલ તેમજ રાજુ નવલસિંહ સોલંકી સામે પ્રોહી. હેઠળ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.