વડોદરાઃ હરણી મેન રોડ પર સવારે વાહનોની ભારે અવરજવર વચ્ચે ડુપ્લિકેટ પોલીસ દ્વારા સિનિયર સિટિઝનના દાગીના લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતાં હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હરણી એરપોર્ટ સામે ક્રિષ્ણા પાર્કમાં રહેતા અને હરણી ભીડભંજન મંદિર સામે હોટલ ધરાવતા ૭૯ વર્ષીય ક્રિષ્ણા વાસુ શેટ્ટીએ પોલીસને કહ્યું છે કે,આજે સવારે હું વોક કરીને ઘેર પરત ફરતો હતો ત્યારે જેએમ પંડયા હોલ પાસે બાઇક પર એક શખ્સ આવ્યો હતો.જ્યારે બીજો શખ્સ ચાલતો આવ્યો હતો.
અજાણ્યા શખ્સો કહ્યું હતું કે,અમે પોલીસ છીએ.આમ દાગીના પહેરીને ફરી ના શકો.આગળ અમારા મોટા સાહેબ ઉભા છે.જેથી મેં ૧૨ ગ્રામની ચેન અને વીંટી ઉતારીને રૃમાલમાં મુકી તેમાં મોબાઇલ પણ મુક્યો હતો અને આ રૃમાલ તેમને આપતાં તેમણે રૃમાલ બાંધીને પાછો આપ્યો હતો.જેથી હું રૃમાલ ખિસ્સામાં લઇ ઘેર ગયો હતો.
ઘેર જઇ જોયું તો રૃમાલમાં માત્ર મારો મોબાઇલ હતો અને દાગીના ગૂમ હતા.જેથી હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.