Image Source: IANS
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે ગુરૂવારે સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં તેઓ કયા મુદ્દે વાત કરશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેઓ ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડી શકે છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસના એક દિવસ બાદ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
રાહુલ ગાંધીએ બિહારના પટનામાં 1 સપ્ટેમ્બરે પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ના સમાપન કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેમની પાર્ટી ટૂંક સમયમાં જ વોટ ચોરી પર હાઈડ્રોજન બોમ્બ ફોડશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો સામનો નહીં કરી શકે.
બુધવારે વડાપ્રધાન મોદીનો દેશભરમાં જન્મદિવસ મનાવાયો. બુધવાર સાંજે કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી.
પવન ખેરાએ X પર લખ્યું કે, ’17 સપ્ટેમ્બરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સવારે 10 વાગ્યે ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં વિશેષ પ્રેસ બ્રીફિંગ કરશે. જો કે, આ સ્પષ્ટ નથી કર્યું કે, રાહુલ ગાંધી કયા મુદ્દે બોલશે.’
આ પણ વાંચો: ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન
હાઈડ્રોજન બોમ્બને લઈને શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
બિહારમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘વોટ ચોરીનો મતબલ અધિકારની ચોરી, અનામતની ચોરી, રોજગારની ચોરી, શિક્ષણની ચોરી, લોકશાહીની ચોરી, યુવાઓના ભવિષ્યની ચોરી. આ તમારી જમીન, તમારું રાશન કાર્ડ લઈને અદાણી-અંબાણીને આપી દેશે. મહાત્મા ગાંધીની હત્યા કરનારી શક્તિ બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેમને બંધારણની હત્યા નહીં કરવા દઇએ.’
તેમણે કહ્યું હતું કે, ‘અમે બિહારની યાત્રા કરી. બિહારના તમામ યુવાનો ઉભા થયા. નાના-નાના બાળકો જીપની પાસે આવતા હતા, કહેતા હતા કે વોટ ચોર, ગાદી છોડ. વચ્ચે ભાજપના લોકો કાળા વાવટા દેખાડતા હતા. તમે એટમ બોમ્બનું નામ સાંભળ્યું છે? એટમ બોમ્બથી મોટો હાઈડ્રોજન બોમ્બ હોય છે. ભાજપના લોકો તૈયાર થઈ જાઓ, હાઈડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. સમગ્ર દેશને તમારી હકિકત ખબર પડશે. હાઈડ્રોજન બોમ્બ બાદ નરેન્દ્ર મોદીજી તમારો ચહેરો દેશને નહીં બતાવી શકો.’
આ પણ વાંચો: પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ