વડોદરા, તા.17 વડોદરા જિલ્લાના ડભોઇમાં વેગા ચોકડી પાસે એક ટીમ્બર્સ અને સેન્ટરિંગની દુકાનના માલિકને મરણતોલ માર મારી રૃમમાં પૂરી દઇ લૂંટ કરી ફરાર થઇ ગયેલી એમપીની મોહનીયા ગેંગના એક નામચીન સાગરીતને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વેગા ચોકડી પાસે શ્રી રામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં અગાઉ મજૂરી કામ કરતો તેમજ પરિવાર સાથે નજીકની ઓરડીમાં રહેતો દયારામ ભૂરા મોહનીયા (રહે.તડવી ફળિયું, હત્યાદેલી તા.રામા, જિલ્લો જામ્બુઆ, મધ્યપ્રદેશ) અચાનક નોકરી છોડી પોતાના પરિવાર સાથે વતનમાં જતો રહ્યો હતો. બાદમાં ૧૫ દિવસ પછી તે અન્ય સાગરીતો સાથે શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં જઇ માલિકને કોદાળી, લાકડાના ડંડા માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.