અમદાવાદ,શુક્રવાર
સરખેજ રોજા કમિટીને સભ્યોનો સોશિયલ મિડીયા પર બદનામ કરવાની ધમકી આપીને એક કથિત યુ ટયુબરે પ્રતિમાસ એક લાખનું ભરણની માંગણી કરી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના જુહાપુરામાં રહેતા દિલાવરહુસૈન સૈયદ સરખેજ રોજા કમિટીમાં કાયદાકીય સલાહકાર તરીકે કામ કરે છે. સરખેજ રોજા કમિટીએ તેમની રોજા કબ્રસ્તાન પાસે આવેલી ઓફિસ મોહંમદરબ્બાની સૈયદ નામના વ્યક્તિને સામાજિક કામ માટે ભાડે આપી હતી. જો કે છેલ્લાં ઘણા મહિનાઓથી ભાડુ ન આપતા કમિટીએ ઓફિસ ખાલી કરાવી હતી. ત્યારબાદ મોહંમદરબ્બાની સૈયદ પોતાની જાતને કથિત પત્રકાર અને સામાજિક કાર્યકર ગણાવીને યુ ટયુબ, ફેસબુક અને વોટસએપ પર સરખેજ રોજા કમિટી વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કમિટીની ઓફિસમાં આવીને ધમકીને પ્રતિમાસ એકલાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને કહ્યુ હતુ કે જો પૈસા નહી આપો તો કમિટીને તમામ રીતે બદનામ કરવા માટે ચેતવણી આપી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા સરખેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.