અમદાવાદ,શનિવાર
મુંબઇ ક્રાઇમબ્રાંચમાં મની લોન્ડરીંગની ફરિયાદ થઇ હોવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા અમદાવાદમાં રહેતા એક ફાઇનાન્સીય એડવાઇઝરને ટારગેટ કરીને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ ૫૮ લાખ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
શહેરના મીઠાખળીમાં આવેલી કલ્યાણ સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય તપન શાહ સીજી રોડ પર ડાયનેસ્ટી બિલ્ડીંગમાં ઓફિસ ધરાવીને નાણાંકીય સલાહકાર તરીકે કામગીરી કરે છે. ગત ૧૯મી ઓગસ્ટના રોજ તેમને સવારે એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે તપન શાહને જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડથી મુંબઇમાં એક સીમ કાર્ડ અને ફોન ખરીદી કરાયો છે. જેથી વેરીફીકેશન કરવાનું છે. તેમ કહીને આધાર કાર્ડની વિગતો લીધી હતી. થોડીવાર પછી ફરીથી ફોન આવ્યો હતો કે મુંબઇ ક્રાઇમબ્રાંચમાં એફઆઇઆર થઇ છે. તેમાં નાણાંકીય છેતરપિંડી થઇ છે.
ત્યારબાદ એફઆઇઆરની કોપી અને તપન શાહના નામના ડેબીટ કાર્ડની ફોટો મોકલ્યો હતો. થોડીવાર સુપ્રિમ કોર્ટ તરફથી આવેલા એરેસ્ટ મેમો મોકલીને ડીજીટલ એરેસ્ટ કરાયા છે. તેમ જણાવીને તપન શાહને ડરાવીને તેમના એકાઉન્ટમાં રહેલા નાણાંની વિગતો મેળવીને તમામ નાણાં આરબીઆઇમાં વેરીફીકેશન માટે લઇને ૭૨ કલાકમાં પરત કરવાનું કહીને કુલ ૫૭.૫૦ લાખ જેટલા નાણાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
જેની સામે તેમને પ્રધાનમંત્રી ઓફિસના લોગો ધરાવતો લેટર મોકલ્યો હતો. જેમાં સરકારી કામમાં સહયોગ માટે આભાર માનવામાં આવ્યો હતો. આમ, તપન શાહને કેસમાં ફસાવવાની ધમકી આપીને નાણાં પડાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.