Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં આવેલી નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. થરાદના જમડા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેના આધારે ચારેક લોકોએ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ
ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક જ દિવસમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા.
આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેનાલમાં ડૂબેલા લોકોની ઓળખ અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.