– 88 શખ્સ સામે નામજોગ ફરિયાદ દાખલ : 21 ઉપરાંતને ઝડપી લેવાયા : કાયદો હાથમાં લેવાની કોશિશ કરનારાને કડક સજા કરાશે
ગોધરા : ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથક પર ધમાલ મચાવનાર આરોપીઓનો પોલીસ ધ્વારા વરઘોડો કાઢીને નવરાત્રી પહેલાં કડક કાર્યવાહી કરાઈ હતી.ગોધરામાં શુક્રવાર સાંજે બનેલી અફરાતફરી બાદ પોલીસે કડક પગલાં લીધા છે. બી ડિવિઝન પોલીસ મથક પર મોટી સંખ્યામાં ટોળાએ ધમાલ મચાવી તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી.
ગોધરાના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે પૂછપરછ માટે બી ડિવિઝન પોલીસ મથકે બોલાવ્યો હતો. ત્યાંથી તેણે કરેલી એક પોસ્ટ બાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકની બહાર ભેગા થયા હતા. ટોળાએ અચાનક હંગામો મચાવી પથ્થરમારો અને તોડફોડનો પ્રયાસ કર્યો હતો.પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ દળે ટોળાને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. આ બનાવને લઈ પોલીસે ૮૮ શખ્સ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે મોટી સંખ્યામાં અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી ૨૧ ઉપરાંત આરોપીઓને ઝડપી લેવાયા છે અને અન્યની શોધખોળ ચાલુ છે.ગોધરામાં નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ શહેરીજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવા માટે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓનો કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢયો હતો. આરોપીઓને હથકડી પહેરાવી વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોધરાની શાંતિ અને સુરક્ષા ભંગ કરનાર સામે કોઈપણ પ્રકારની રાહત અપાશે નહીંે.કાયદો હાથમાંે લેવાની કોશિશ કરનારાને કડક સજા કરાશે.શહેરીજનોને નિર્ભયતાથી ઉત્સવ માણી શકે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.