– શ્રાધ્ધના અંતિમ દિવસોમાં ધર્મકાર્યોનું પ્રમાણ વધ્યું
– સોમવારે પ્રથમ નોરતાથી શકિતની ભકિત સાથે માંગલિક કાર્યો ફરી ધમધમશે, 400 થી વધુ સ્થળોએ રાસ ગરબાની રમઝટ જામશે
ભાવનગર : રવિવારે સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે પિતૃ વંદનાના શ્રાધ્ધપક્ષનું સમાપન થયુ હતુ. આવતીકાલ તા.૨૨ સપ્ટેમ્બરથી શકિતની ભકિતના નવલા મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો શુભારંભ થશે. આ સાથે સોમવારથી શેરીઓ અને મહોલ્લાઓમાં માતાજીની ગરબી સમક્ષ ખેલૈયાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવાશે.આ વર્ષે ગોહિલવાડમાં ૪૦૦થી વધુ સ્થળોએ સાર્વજનિક નવરાત્રી મહોત્સવના આયોજન કરાયા છે.
રવિવારે ભાદરવા વદ અમાસે સમસ્ત પિતૃઓની કૃપાદ્રષ્ટિ મેળવવાના સર્વ પિતૃ અમાસે દિવંગત સભ્યનું શ્રાધ્ધ, તર્પણ અને દાન પુણ્ય અને જીવદયા પ્રવૃતિઓ કરાઈ હતી. શ્રાધ્ધ દરમિયાન ધર્મસ્થાનકોના પરિસરમાં રહેલા પીપળાના વૃક્ષને પાણી ચઢાવવા, દેવદર્શન અને પૂજન કરવા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. જયારે આવતીકાલ તા.૨૨-૯ ને સોમવારથી શારદીય નવરાત્રિ મહોત્સવના શુભારંભની સાથે જ ભાવિકો દ્વારા ઉપવાસ અને એકટાણા સાથે અનુષ્ઠાનનો આરંભ કરાશે. આ સાથે ગૃહ પ્રવેશ, વાસ્તુપૂજન, વેવિશાળ અને કંકુ પગલા સહિતના માંગલિક કાર્યો ધમધમશે.તેટલુ જ નહિ આ સાથે સ્થાવર અને જંગમ મિલ્કત,જમીન, મકાન, પ્લોટ, વાહન અને ભૌતિક સુખ સંપત્તિના સાધનોની ધૂમ ખરીદી થશે. નવરાત્રિને લઈને ગરબી, ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ, પુજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક બજારોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.