ગાંધીનગર નજીક મેદરા નર્મદા કેનાલ પાસે
ડભોડા પોલીસે મેદરાના ચાર શખ્સોને ઝડપી લીધા : નવ ભારત ગેસના સિલિન્ડરમાંથી ચોરી કરવામાં આવતી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક મેદરા નર્મદા કેનાલ પાસે નવભારતના ગેસ
સિલિન્ડર ભરેલી ટ્રકને ઉભી રાખીને તેમાંથી બારોબાર ગેસની ચોરી કરવામાં આવતી હોવાની
બાતમીના પગલે ડભોડા પોલીસ દ્વારા દરોડો પાડીને ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા
અને ગેસના સિલિન્ડર મળીને કુલ ૬.૭૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ
કરવામાં આવી છે.
કંપનીમાંથી મોકલવામાં આવતા ગેસ સિલિન્ડરની અંદરથી બારોબાર
ગેસ ચોરી લેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે
સમયે બાતમી મળી હતી કે, મેદરા
ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ખેતરમાં એક આઇસર ટ્રક ઘરેલુ વપરાશના ગેસના બાટલા
ભરીને આવેલી છે અને આ બાટલામાંથી બારોબાર ગેસની ચોરી કરવામાં આવી રહી છે. જે
બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાજર
જશવંત સોગાભાઈ શ્રીમાળી મૂળ રહે રોટાવાસ ધાનેરા હાલ મેદરા, કેતનજી રાયભણજી
ઠાકોર, અજય
રણજીતજી ઠાકોર અને મનીષજી કાળાજી ઠાકોર તમામ રહે મેદરાને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સ્થળે પોલીસે તપાસ કરતા નવ ભારત ગેસ કંપનીના સિલિન્ડરમાંથી અન્ય ખાલી બોટલમાં
ગેસ ભરવામાં આવતો હતો. જેથી પોલીસે ૧૦૬ નંગ નાના બોટલ, ૩૧ મોટા બોટલ,ચાર ખાલી બોટલ
તેમજ ગેસ રિફિલિંગ કરવાનું મશીન,
આઇસર ટ્રક મળી કુલ ૬.૭૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. આ આરોપીઓ
સામે જરૃરી ચીજ વસ્તુઓના અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી તેમજ
છેલ્લા કેટલા સમયથી આ ગેસની ચોરીનું રેકેટ ચાલતું હતું તે જાણવા માટે મથામણ શરૃ
કરવામાં આવી છે તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ આ મામલે સામેલ છે કે નહીં તેની પણ તપાસ
કરવામાં આવી રહી છે. ઝડપાયેલો જશવંત શ્રીમાળી આ ગેસ સિલિન્ડર ભરેલી ગાડી લઈને
આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.